Gujarat Weather Forecast Updates (13 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં બેવડી ઋતુ યથાવત છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી તો બપોરે ગરમી અનુભવાઇ રહી છે. હવામાન વિભાગે પણ આજે આ જ પ્રકારનું હવામાન રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ રાજ્યમાં માવઠાની શક્યતા નથી. ગઇકાલે અમરેલી સૌથી ઠંડુ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. આજે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે. તેમજ નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન અલ નિનો અત્યંત મજબૂત સ્થિતિમાં રહેવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગે કર્યું છે.
હવામાન વિભાગની શું છે આગાહી | Gujarat Weather Forecast Today, 13 November 2026
ગુજરાતના આજના હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં વાતાવરણ સૂકું રહી શકે છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે ગઇકાલની જેમ લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં નીચું રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કે તેથી ઉપર રહી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમજ માવઠું થવાની શક્યતા પણ આગામી સાત દિવસ નથી.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે | Low Pressure Area at Bay of Bengal
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક એપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન ફેલાયેલું છે. જે દરિયાની સપાટીથી 1.5 કિ.મી. ઉપર ફેલાયેલું છે. આ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ આજે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. આવતીકાલે 14 નવેમ્બરના રોજ આ જ વિસ્તારમાં તે વેલ માર્ક્ડ લો પ્રેશરમાં ફેરવાઇ જશે. 15 નવેમ્બરના રોજ આ જ વિસ્તારમાં ડિપ્રેશનમાં ફરેવાય તેવી પ્રબળ શક્યતા છે અને વધુ તીવ્ર થઇ શકે છે.
અત્યંત મજબૂત અલ નીનોની અસર જોવા મળી શકે | Latest Update about El Nino
કેન્દ્રિય હવામાન વિભાગ અનુસાર, વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગર પર અત્યંત મજબૂત અલ નીનો (El Nino) સ્થિતિ પ્રવર્તી રહી છે. લેટેસ્ટ મોનસૂન મિશન કપલ્ડ ફોરકાસ્ટ સિસ્ટમ (MMCFS) અને અન્ય વૈશ્વિક આબોહવા મોડેલની આગાહીઓ મુજબ નવેમ્બર-ડિસેમ્બર 2026 દરમિયાન અત્યંત મજબૂત અલ નીનોની સ્થિતિ રહેવાની સંભાવના છે. જ્યારે હિંદ મહાસાગરમાં ડિસેમ્બર 2026 સુધી ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાયપોલ' (IOD) ની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. મેડન જુલિયન ઓસિલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોજિનેસિસ એટલે કે દરિયામાં ડિપ્રેશન સર્જાય તેવી સ્થિતિ ઉદ્ભવી શકે છે.
ગુજરાતમાં કેટલુ રહ્યું મહત્તમ તાપમાન | Gujarat Maximum Temperature Report
ગઇકાલે ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાન અંગે વાત કરીએ તો 37.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ભુજમાં 36.5, સુરતમાં 36, વેરાવળમાં 36, પોરબંદરમાં 35.8, મહુવામાં 35.8, કેશોદમાં 35.6, અમરેલીમાં 35.5, વલ્લભ વિદ્યાનગરમાં 35.3, વડોદરામાં 35.2, અમદાવાદમાં 35, કંડલા પોર્ટમાં 35, ભાવનગરમાં 34.7, ગાંધીનગરમાં 34.5, ડીસામાં 34.2, નલિયામાં 33.8, ઓખામાં 32.3, દ્વારકામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન | Gujarat Minimum Temperature Report
ગુજરાતનુ ગઇકાલનું લઘુત્તમ તાપમાન જોઇએ તો 16.8 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ત્યારબાદ નલિયામાં 17, મહુવામાં 18.3, વડોદરામાં 18.4, રાજકોટમાં 18.7, કેશોદમાં 18.8, ગાંધીનગરમાં 18.8, ડીસામાં 19.4, પોરબંદરમાં 19.5, સુરતમાં 20, અમદાવાદમાં 20.5, ભાવનગરમાં 21.3, સુરેન્દ્રનગરમાં 22.2, ભુજમાં 22.2, વેરાવળમાં 22.5, કંડલા પોર્ટમાં 22.8, દ્વારકામાં 23.4, ઓખામાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
