Paresh Goswami Ni Agahi: છેલ્લા કેટલાક દિવસથી પવનની ગતિના કારણ મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. આજે ગુજરાતના મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો પણ થયો છે. તેમજ 8 તાલુકામાં વરસાદ પણ નોંધાયો છે.
એવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે-સાથે વધુ એકવાર હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે.
પવનની ગતિમાં ઘટાડો થતાં ગરમી વધશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે પવનની ગતિ સરેરાશ 25 થી 30 કિમી પ્રતિકલાકની આસાપાસ જોવા મળી રહી છે. આગામી 8 મેથી પવનની ગતિ ઘટ જવાથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શરૂઆત થશે. આ દરમિયાન 15 થી 17 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અત્યારે મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. જો કે 12 થી 17 મે દરમિયાન મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રીની રેન્જમાં પહોંચી શકે છે. આમ મે મહિનામાં ગરમી નવો રેકોર્ડ સ્થાપી શકે છે.
ભરઉનાળે હવામાનમાં પલટો આવશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગર પરથી આવતા ભેજવાળા પવનના કારણે આગામી 6 થી 7 મે દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. જેમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા વરસી શકે છે.
આ વરસાદી ઝાપટા લોકલ સિસ્ટમ બનવાના કારણે વરસવાના હોવાથી તેને પ્રી-મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય. જો કે આ માવઠાની આગામી ચોમાસા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.
ગુજરાતના 8 તાલુકામાં વરસાદી માહોલ
આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દાહોદ જિલ્લાના ફતેપુરામાં સૌથી વધુ 20 મિ.મી વરસાદ વરસ્યો છે. આ સિવાય દાહોદના ઝાલોદમાં 14 મિ.મી., સુખસરમાં 12 મિ.મી, મહીસાગરના સંતરામપુરમાં 10 મિ.મી અમરેલીના ધારીમાં 4 મિ.મી અને રાજકોટના જામકંડોરણામાં 2 મિ.મી વરસાદ પડ્યો છે.
