પરેશ ગોસ્વામીની આગાહીઃ અરબી સમુદ્રની સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ, અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ પડશે

3 નવેમ્બરથી વાતાવરણ ખુલ્લુ થઈ જશે, પરંતુ આ સિસ્ટમ ખૂબ જ મોટી હોવાથી તેનો ભેજ રહેશે. જેના પરિણામે કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Nov 2025 04:10 PM (IST)Updated: Sat, 01 Nov 2025 04:10 PM (IST)
paresh-goswami-ni-agahi-arabian-sea-system-turns-into-cyclonic-circulation-11-districts-gets-rains
HIGHLIGHTS
  • 25 ઓક્ટોબરથી ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ
  • સિસ્ટમના આઉટર ક્લાઉડ હજુ ગુજરાત પર અસરકર્તા

Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય બાદ શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું હતુ, ત્યારે જ દિવાળી બાદ અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં 25 ઓક્ટોબરથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે.

છેલ્લા એક સપ્તાહથી સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેઓ સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં પણ માવઠાના મારથી મુક્તિ નહી મળે તેમ જણાવ્યું છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે, અરબ સાગરમાં સક્રિય વરસાદી સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપે ગુજરાતના કાંઠાની નજીક આવી હતી. હાલ આ સિસ્ટમ સક્રિય છે, પરંતુ ખૂબ જ નબળી પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગઈ છે. જો કે આ સિસ્ટમના આઉટર ક્લાઉડ હજુ ગુજરાત પર અસર કરી રહ્યા છે. જેના કારણે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ તેની તીવ્રતા જરૂર ઘટી ગઈ છે.

આગામી 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ ચોક્કસ રહેશે, પરંતુ તેનો વિસ્તાર અને તીવ્રતા ઘટી જશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા જેવા જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે.

આ સિવાય ગુજરાતના અન્ય ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટા નોંધાશે. જ્યારે આગામી 3 નવેમ્બરથી વાતાવરણ ખુલ્લુ થઈ જવાથી આ કમોસમી વરસાદની સિસ્ટમમાંથી મુક્ત થઈ શકીશું. આમ છતાં આ સિસ્ટમ ખૂબ જ મોટી હોવાથી તેનો અમુક ભેજ રહી ગયો હોવાથી 3 અને 4 નવેમ્બરે પણ રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે.