Paresh Goswami Ni Agahi For Monsoon: છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર-પશ્ચિમના સૂકા અને ગરમ પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે રાજ્યમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું હોવાથી લોકોને ગરમ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો અને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
નૈઋત્યનું ચોમાસાનું દેશમાં નિર્ધારિત સમય કરતાં વહેલું આગમન
હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, મોટાભાગે 15 થી 20 મેની આસપાસ બંગાળની ખાડીમાં નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરતું હોય છે.
જો કે આ વર્ષે 13 મેના રોજ આંદામાન-નિકોબારના ટાપુઓ પર ચોમાસાનું પ્રવેશ થઈ ચૂક્યો છે. એટલે કે આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 2 થી 4 દિવસ વહેલું ચાલી રહ્યું છે. તેમજ અત્યારે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જે આગામી દિવસો માટે સારા સંકેત ગણી શકાય.
સિસ્ટમ નબળી પડતાં વાવાઝોડાનો ખતરો ટળ્યો
અગાઉ એવી શક્યતા હતી કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ તમિલનાડુ અને કેરળ થઈને અરબ સાગરમાં પ્રવેશતા શક્તિશાળી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો કે આ સિસ્ટમ હવે નબળી પડી રહી છે, કારણ કે અરબ સાગરમાં આવ્યા બાદ તેને પૂરતો ભેજ અને અનુકૂળ તાપમાન ન મળવાને કારણે તે મજબૂત બને તેવી શક્યતા ઓછી છે. જેનાથી હાલ પુરતો વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.
ગુજરાતમાં 19 મેથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી પડી રહેલી ભીષણ ગરમી અને પશ્ચિમના ભેજવાળા પવનોના કારણે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. જેના પરિણામે આગામી 19-20 મેથી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે.
આ પ્રી-મોન્સૂન એક્ટિવિટી 30 મે સુધી એટલે કે 10 થી 12 દિવસ સુધી ચાલશે, જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયો અથવા સામાન્ય વરસાદ વરસી શકે છે.
