Ahmedabad: સરખેજમાં પુરપાટ જતાં ડમ્પરે સ્કૂટરને હડફેટે લીધુ, કૉલેજ જતી યુવતીનું ચગદાઈ જતાં કમકમાટીભર્યું મોત

ડમ્પરની ઠોકરથી એક્ટિવા પર જતી યુવતી નીચે પટકાઈ, તે સાથે જ તેના માથા પરથી તોતિંગ ટાયર ફરી વળ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 15 May 2026 06:52 PM (IST)Updated: Fri, 15 May 2026 06:52 PM (IST)
ahmedabad-accident-college-student-girl-killed-in-fatal-scooter-dumper-collision-at-sarkhej
HIGHLIGHTS
  • અકસ્માત સર્જ્યા બાદ તકનો લાભ લઈ ડમ્પરનો ચાલક ઘટના સ્થળેથી ફરાર
  • બલોલનગર બ્રિજ પરથી ફંગોળાઈને નીચે પટકાયેલા બાઈક ચાલકનું મોત

Ahmedabad Accident: અમદાવાદમાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે શહેરના રાણીપ અને સરખેજ વિસ્તારમાં બે અલગ-અલગ અકસ્માતમાં કૉલેજીયન યુવતી અને એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સરખેજમાં કાળમુખા ડમ્પરે કૉલેજ જતી વિદ્યાર્થિનીને કચડી મારી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી કાવ્યા પંડ્યા (20) આજે પોતાનું સ્કૂટર લઈને ધોળકાના ચલોડા સ્થિત રાઈ યુનિવર્સિટીમાં જઈ રહી હતી. કાવ્યા સ્કૂટર પર સરખેજ-ધોળકા રોડ પર આવેલ નવી ફતેવાડીના આઝાદનગર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ ગતિમાં આવતા કાળમુખા ડમ્પરે કાવ્યાના સ્કૂટરને ટક્કર મારી હતી.

ડમ્પરની ટક્કરે કાવ્યા સ્કૂટર પરથી ઉછળીને નીચે પટકાઈ હતી. આ સાથે જ ડમ્પરનું ટાયર તેના માથાના ભાગે ફરી વળ્યું હતુ. આ અકસ્માતમાં કાવ્યાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

હાલ તો અમદાવાદ ટ્રાફિક એમ ડિવિઝન પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ડમ્પરના ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

રાણીપના બલોલનગર બ્રિજ પરથી નીચે પટકાયેલા બાઈક ચાલકનું મોત

બીજો બનાવ શહેરના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં રાણીપના ગણેશ પ્લાઝામાં રહેતો અતુલ પંચાલ નામનો યુવક ગઈકાલે મોડી રાતે બલોલનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ જતુ બાઈક બ્રિજના વળાંક પર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાયું હતુ. આ ટક્કર એટલી ભયાનક નહતી કે, બાઈક ચાલક યુવક ફૂટબૉલ માફક ઉછળીને બ્રિજની નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.