પરેશ ગોસ્વામીની આગાહીઃ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની, 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે

પરેશ ગોસ્વામીએ 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અને અરબ સાગર સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 23 Aug 2026 12:00 AM (IST)Updated: Sun, 23 Aug 2026 12:00 AM (IST)
paresh-goswami-gujarat-weather-forecast-new-bay-of-bengal-system-to-bring-rain-from-august-26-to-september-6

Paresh Goswami Gujarat Weather Forecast: ગુજરાતમાં ચાલું ચોમાસાની સિઝન ખૂબ જ અનિશ્ચિતતા વાળી રહી છે. એક તો ગુજરાતમાં ચોમાસું મોડું બેઠું અને બીજુ વરસાદના અત્યાર સુધી જે રાઉન્ડ રહ્યા, તે કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ ભારે રહ્યા. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કોઈ-કોઈ ભાગોને મેઘરાજાએ રીતસરના ઘમરોળી નાંખ્યા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપેક્ષા પ્રમાણે વરસાદ ના થતાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના વિરામ વચ્ચે તાપમાન પણ ઊંચકાઈ રહ્યું હોય તેમ લાગે છે, તો કોઈ-કોઈ ભાગોમાં ધૂપછાંવનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં ખાસ કરીને ખેડૂતો ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આશા રાખીને બેઠા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 26 ઓગસ્ટથી મેઘરાજાની તોફાની ઈનિંગની શક્યતા વ્યક્ત કરી છે.

બંગાળની ખાડી સક્રિય બની, તો અરબ સાગર પોઝિટિવ ફેઝમાં આવ્યો

આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવે અરબ સાગર અને બંગાળની ખાડી બન્ને પોઝિટિવ ફેઝમાં આવી રહ્યા છે. અત્યારે અરબ સાગરમાં મોન્સૂન ઑફશોર ટ્રફ મજબૂત બન્યો છે. આ સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના પરિણામે એક અસ્થિરતાનો શિયર ઝોન રચાયો છે, જે આવનારા દિવસોમાં પશ્ચિમ દિશા તરફ આગળ વધશે

આવતી 25 ઓગસ્ટ સુધીમાં આ શિયર ઝોન ગુજરાતની સરહદની લગોલગ પહોંચી જશે અને તેના બીજા દિવસે એટલે કે 26 ઓગસ્ટે તે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદોને સ્પર્શે તેટલો નજીક આવી જશે. આ સિસ્ટમ મધ્ય પ્રદેશના માર્ગે થઈને ગુજરાત તરફ પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી પુરી સંભાવના છે. જેથી 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે.

અલ નીનોની અસરથી ગુજરાત સુધી પહોંચી વરસાદી સિસ્ટમ ફંટાઈ ગઈ

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ વર્ષે અલ નીની અસરના કારણે લાંબા ગાળાના હવામાન અનુમાનોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ચાલુ ચોમાસાની સિઝનમાં બે-ત્રણ વખત એવું બન્યું કે, વરસાદી સિસ્ટમો ગુજરાત પર આવ્યા બાદ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતને લાભ આપીને રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો તેમજ કચ્છ પંથકમાં વરસાદ ઘણો નબળો રહ્યો છે અને ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે

આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 58 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે આવનારા દિવસોમાં 40 થી 50 ટકા જેટલો વધુ વરસાદની તાતી જરૂર છે. જો કે આ વરસાદના રાઉન્ડનો દરેક જિલ્લાને એક સરખો લાભ મળશે કે કેમ તે જોવું રહ્યું.