Mehsana: અમેરિકામાં આખજના વેપારીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોર્સમાં ઘુસેલા બુકાનીધારીએ દીકરીની નજર સામે જ પિતાને ગોળી ધરબી દીધી

અમેરિકાના ટેનેસીના જેક્શન શહેરમાં મહેસાણાના આખજ ગામના મૂળ વતની સુરેશભાઈ પટેલની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટના તેમની 19 વર્ષીય પુત્રીની નજર સામે બની હતી, જેનાથી પરિવાર અને ગામમાં શોક વ્યાપી ગયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 22 Aug 2026 10:13 PM (IST)Updated: Sat, 22 Aug 2026 10:16 PM (IST)
mehsana-nri-shot-dead-in-us-store-gujarati-businessman-killed-in-front-of-daughter

Mehsana NRI Shot Dead in US Store: અમેરિકામાં લૂંટના ઈરાદે ગુજરાતીઓની હત્યાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ ટેનેસી સ્ટેટના જેક્શન શહેરમાં બન્યો છે. જેમાં 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ વેપારીની તેમની જ દીકરીની નજર સામે જ ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના આખજ ગામના મૂળ વતની એવા સુરેશભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી અમેરિકા સ્થાયી થયા હતા અને ટેનેસી સ્ટેટના જેક્શન શહેરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા.

આજથી એક સપ્તાહ પહેલા જ સુરેશ પટેલે જેક્શન શહેરમાં નવો સ્ટોર શરું કર્યો હતો. ગત ગુરુવારે રાતે 9 વાગ્યાની આસપાસ સુરેશ પટેલ પોતાની 19 વર્ષીય પુત્રી સાથે સ્ટોર્સ પર હાજર હતા. આ સમયે અચાનક એક બુકાનીધારી શખ્સ લૂંટના ઈરાદે સ્ટોર્સમાં ઘુસી આવ્યો હતો. જેણે બંદૂકની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોતાની સાથે સ્ટોર્સમાં દીકરી હોવાથી સુરેશ પટેલે લૂંટારું શખ્સનો પ્રતિકાર કરવાની જગ્યાએ તેને લૂંટ કરવા દીધી હતી. આમ છતાં લૂંટરું શખ્સે સ્ટોર્સની બહાર જતાં-જતાં સુરેશભાઈને છાતીમાં ગોળી ધરબીને ફરાર થઈ ગયો હતો. ગોળી વાગતા સુરેશ પટેલ સ્થળ પર જ ફસડાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં, મૃતક સુરેશ પટેલને સંતાનમાં ત્રણ દીકરીઓ છે, જે પૈકી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે બનાવ સમયે સ્ટોર્સ પર હાજર તેમની 19 વર્ષની દીકરી નજર સામે જ પિતાની હત્યાથી આઘાતમાં સરી પડી છે. આ બનાવના પગલે પરિવાર તેમજ આખજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.