Padma Awards 2026: પદ્મ પુરસ્કારની જાહેરાત, ગુજરાતની 5 હસ્તીઓને પદ્મશ્રી પારિતોષિકથી નવાજવામાં આવી

પ્રજાસત્તાક પર્વના એક દિવસ પૂર્વે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકી એક પદ્મશ્રી વિજેતાઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Jan 2026 04:50 PM (IST)Updated: Sun, 25 Jan 2026 09:31 PM (IST)
padma-awards-2026-president-murmu-to-honor-3-remarkable-gujaratis
HIGHLIGHTS
  • ગુજરાતમાંથી હાજી રમકડું, નિલેશ માંડલેવાલ અને ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી

Padma Awards 2026: કેન્દ્ર સરકાર દ્વારા 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જે પૈકી 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડ પારિતોષિક સામેલ છે.

પદ્મ પુરસ્કાર 2026ના લિસ્ટમાં 19 મહિલાઓ, 16 મરણોપરાંત અને 6 વિદેશી નાગરિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના પણ કલા, સાહિત્ય અને સામાજિક સેવા સાથે સંકળાયેલા પાંચ જેટલી હસ્તીઓને પણ પદ્મશ્રીની નવાજવામાં આવ્યા છે.

અંગદાન અભિયાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા સુરતના નિલેશ માંડલેવાલ, હાજી રમકડુંના નામે જાણીતા ઢોલક વાદક હાજી કાસમ મીર, માણભટ્ટની પરંપરાને જીવંત રાખનારા ધાર્મિકલાલ પંડ્યા ઉપરાંત સાહિત્યમાં પોતાના યોગદાન બદલ રતિલાલ બોરીસાગર અને કલામાં અરવિંદ વૈદ્યની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

મીર હાજી કાસમવાલાઃ 'હાજી રમકડું'ના હુલામણા નામે જાણીતા મીર હાજીભાઈ કાસમવાલા ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ કરનારા 'હાજી રમકડું'ને એકતા અને ભાઈચારાના પ્રતિક માનવામાં આવે છે.

નિલેશ માંડલેવાલાઃ સુરતના નિલેશ માંડલેવાલને સામાજિક કાર્યના ક્ષેત્રમાં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. ડૉનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલ ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિના પ્રણેતા તરીકે ઓળખાય છે.

1997માં નિલેશ માંડલેવાલાના પિતાની કિડની નિષ્ફળ થઈ ગઈ હતી. જે બાદ 2004 સુધી તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતુ. આ દરમિયાન દર્દી અને તેના પરિવારની પડતી તકલીફોને નજીકની નિહાળ્યા બાદ નિલેશ માંડલેવાલે 2006માં અંગદાન સેવાનો પ્રારંભ કર્યો હતો.

'ડોનેટ લાઈફટ સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 1300થી વધુ અંગો તેમજ ટિશ્યુઓનું સફળતાપૂર્વક દાન કરાવી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.

ધાર્મિકલાલ પંડ્યાઃ 11 ઓગસ્ટ, 1932માં વડોદરામાં જન્મેલા ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ધાર્મિકલાલ પંડ્યાએ 3 હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કરીને દેશ-વિદેશમાં માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો.

1951-52થી આ ક્ષેત્રમાં પ્રવૃત ધાર્મિકલાલ પંડ્યા ગુજરાત ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યો તેમજ રાષ્ટ્રપતિ ભવન સુધી કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે.

અરવિંદ વૈદ્યઃ ગુજરાતના પ્રતિષ્ઠિત કલાકાર અરવિંદ વૈદ્યને કલા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી 2026થી સન્માનિત કરવામાં આવ્યા. 33 વર્ષના સિનેમા અને ટીવી અનુભવે, 200થી વધુ નાટકોનું નિર્દેશન કરનાર અરવિંદ વૈદ્ય થિયેટરને કળા અને સત્યનો માધ્યમ બનાવીને સમાજમાં મજબૂત છાપ મૂકી ચૂક્યા છે

રતિલાલ બોરીસાગરઃ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. હાસ્યલેખન, નવલકથા અને લોકપ્રિય કોલમ્સ માટે જાણીતા રતિલાલ બોરિસાગરે 17થી વધુ પુસ્તકો અને બાળકો માટે 6 પુસ્તકો લખી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.