Nehal Vadoliya: 'ભોળી સમજીને મને ફોસલાવી, મેસેજ ડિલીટ કરાવ્યા', એક્ટ્રેસે કરણ જોષીના જૂના ચેટ્સ જાહેર કર્યા

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નેહલ વાડોલિયાએ સોશિયલ મીડિયા પર અંદાજે પાંચ મિનિટનો એક વીડિયો શેર કર્યો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 22 May 2026 11:46 AM (IST)Updated: Fri, 22 May 2026 11:48 AM (IST)
nehal-vadoliya-karan-joshi-controversy-know-what-nehal-revealed-by-posting-a-video

Nehal Vadoliya Karan Joshi controversy: ગુજરાતી સિનેમા જગતમાં તાજેતરમાં ઇતિહાસ રચનારી અને આધ્યાત્મિક વિષય પર આધારિત ફિલ્મ 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે' ના લીડ એક્ટર કરણ જોષી અત્યારે એક ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ ગુજરાતી એક્ટ્રેસ નેહલ વાડોલિયાએ કરણ પર બીભત્સ માંગણી અને ગેરવર્તણૂકના આરોપ લગાવ્યા બાદ આ મામલો હવે સોશિયલ મીડિયા પર 'વૉર' સમાન બની ગયો છે. કરણ જોષીની સ્પષ્ટતા બાદ નેહલે ફરી એકવાર પુરાવા સાથે નવો વીડિયો શેર કરીને ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઇ

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નેહલ વાડોલિયાએ સોશિયલ મીડિયા પર અંદાજે પાંચ મિનિટનો એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં નેહલે અત્યંત ભાવુક થઈને આરોપ લગાવ્યો કે કરણ જોષીએ તેને સોશિયલ મીડિયા પર અત્યંત અશોભનીય અને 'ગંદી માંગણી' કરતા મેસેજ મોકલ્યા હતા.

નેહલના દાવા મુજબ, જ્યારે તેણે આ મેસેજ સામે સખત વાંધો ઉઠાવ્યો, ત્યારે કરણે પલટી મારી લીધી હતી અને બહાનું બનાવ્યું હતું કે આ મેસેજ તેના કોઈ મિત્રએ તેનો ફોન લઈને કર્યા છે. વીડિયોના અંતમાં નેહલે એક ઓડિયો વોઇસ નોટ પણ સંભળાવી હતી, જેમાં તે કરણને આક્રોશ સાથે ખખડાવી રહી છે અને પોતાની પીડા રજૂ કરી રહી છે.

જાણો કરણ જોષીનો પક્ષ જાણો

નેહલના આરોપો બાદ કરણ જોષીએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કરણે જણાવ્યું કે આ ઘટના અત્યારની નથી પરંતુ પાંચ મહિના જૂની એટલે કે જાન્યુઆરી 2026ની છે. કરણે કહ્યું કે તે સમયે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને હેકરે તેના ઘણા મિત્રો પાસે પૈસા અને કામની માંગણી કરતા મેસેજ મોકલ્યા હતા. કરણના મતે, આ બાબતે જાન્યુઆરીમાં જ સ્પષ્ટતા થઈ ગઈ હતી અને વિવાદ શમી ગયો હતો, પરંતુ હવે જૂના સ્ક્રીનશોટને ખોટી રીતે રજૂ કરીને તેને બદનામ કરવામાં આવી રહ્યો છે.

નેહલ વાડોલિયાનો વળતો પ્રહાર

કરણની સ્પષ્ટતાથી સંતુષ્ટ ન થતા નેહલે ફરી એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે કરણના 'હેકિંગ' વાળા દાવાની આકરી ટીકા કરી છે. નેહલે આ વીડિયોમાં કેટલાક તાર્કિક સવાલો અને નવા પુરાવા રજૂ કર્યા છે. નેહલે પૂછ્યું કે જો એકાઉન્ટ હેક થયું હતું, તો કરણ તરત જ એવું કેવી રીતે લખી શક્યો કે મારું એકાઉન્ટ હેક થયું છે? શું તેને એક્સેસ તરત મળી ગયું હતું? તેમજ કરણે કહ્યું હતું કે તેના મિત્રોને પણ આવા મેસેજ ગયા છે, તો નેહલે પડકાર ફેંક્યો છે કે તે મિત્રોના સ્ક્રીનશોટ જાહેર જનતા સામે મૂકવામાં આવે. અને નેહલે વીડિયોમાં કરણ સાથેના જૂના ચેટ અને 'લાલો' ફિલ્મના ડિરેક્ટર અંકિત સાખિયા સાથેની ચેટ પણ લીક કરી છે. જેમાં અંકિતે કથિત રીતે નેહલને મેસેજ ડિલીટ કરવા માટે વિનંતી કરી હોવાનો દાવો કરાયો છે.

નેહલે આક્ષેપ કર્યો કે, "પહેલા કહ્યું મિત્રએ લખ્યું, પછી કહ્યું હેકરે લખ્યું. મને મનાવવા માટે પાંચ લોકોએ ભેગા મળીને ઇમોશનલ બ્લેકમેલ કરી કે 'તમે તો કૃષ્ણ ભગવાનને માનો છો, પ્લીઝ આ બધું ડિલીટ કરી દો નહીંતર ભગવાનનું નામ ખરાબ થશે'. ગુનો આ લોકો કરે અને નામ ભગવાનનું ખરાબ થાય?"

ભૂતકાળમાં સુભાષ ઘાઈ પર પણ લગાવ્યા હતા આરોપ

નેહલ વાડોલિયા અગાઉ પણ મી-ટૂ (Me Too) જેવા વિવાદોને કારણે ચર્ચામાં રહી છે. તેણે પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ પર બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેના તત્કાલીન બોયફ્રેન્ડ સાથે તે જ્યારે ઘાઈના ઘરે ગઈ હતી, ત્યારે ડિરેક્ટરે તેની નજીક આવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને કારણે તે ખૂબ જ આઘાતમાં હતી.

કોણ છે નેહલ વાડોલિયા?

નેહલ વાડોલિયા ગુજરાતી અને હિન્દી મનોરંજન ઉદ્યોગનું જાણીતું નામ છે.

  • TMKOC: તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા જીની મિત્ર નેહાનું પાત્ર ભજવ્યું હતું.
  • OTT પ્લેટફોર્મ: તે 'ગંદી બાત 3', 'મસ્તરામ', 'જૂલી' અને 'ટાઈપરાઈટર' જેવી ચર્ચિત અને બોલ્ડ વેબ સીરીઝમાં કામ કરી ચૂકી છે.

ઇન્ડસ્ટ્રીમાં છાપ બગડવાનો ડર

નેહલે અંતમાં ભાવુક થઈને કહ્યું કે, "મેં ભગવાનના સમ અને સોરી માનીને વાત દબાવી દીધી હતી, પણ હવે મને સમજાયું છે કે આ ગંભીર છે. મારી ઈમેજ ખરાબ થઈ રહી છે. મારે હવે ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ કરવું નથી, મારે બસ સત્ય સામે લાવવું છે."

હાલમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક તરફ કરણ જોષી પોતાની નિર્દોષતા સાબિત કરવા હેકિંગનો સહારો લઈ રહ્યા છે, તો બીજી તરફ નેહલ વાડોલિયા ડિજિટલ પુરાવાઓ સાથે મેદાનમાં ઉતરી છે. હવે આ મામલો કાનૂની વળાંક લે છે કે સામાજિક રીતે શમે છે, તે જોવું રહ્યું.