કરણ જોષીનો વિવાદ પર ખુલાસો: "મારું એકાઉન્ટ હેક થયું હતું", નેહલ વડોલિયાના આક્ષેપો પર એક્ટરે તોડી ચુપકીદી

સોશિયલ મીડિયા પર આક્ષેપો થતા જ કરણ જોષીએ સામે આવીને સાચી હકીકત જણાવી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 19 May 2026 02:43 PM (IST)Updated: Tue, 19 May 2026 02:43 PM (IST)
karan-joshi-clarification-on-controversy-my-account-was-hacked-actor-breaks-his-silence-on-nehal-vadolia-allegations

Karan Joshi Nehal Vadoliya Chat Controversy: ગુજરાતી સિનેમા જગતમાં હાલ 'લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મના એક્ટર કરણ જોષી અને અભિનેત્રી નેહલ વડોલિયા વચ્ચેના એક જૂના વિવાદે ફરી જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આક્ષેપો અને સ્પષ્ટતાના વીડિયોએ ચાહકોમાં અને ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા જગાવી છે. એક્ટર કરણ જોષીએ આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે આ સમગ્ર વિવાદ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકિંગનું પરિણામ છે.

શું છે સમગ્ર વિવાદ?

તાજેતરમાં અભિનેત્રી નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર અંદાજે 5 મિનિટનો એક લાંબો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેને કરણ જોષીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અયોગ્ય મેસેજ મળ્યા હતા. નેહલે આ વીડિયોમાં ચેટના સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડિંગ પણ બતાવ્યા હતા. વીડિયોમાં તે અત્યંત ભાવુક દેખાતી હતી અને તેણે કરણને મોકલેલી એક ઓડિયો વોઈસ નોટ પણ સંભળાવી હતી, જેમાં તેની પીડા અને નારાજગી સ્પષ્ટ જણાઈ આવતી હતી.

આ ઘટના જાન્યુઆરી 2026ની હોવાનું નેહલે જણાવ્યું હતું. જોકે, આશ્ચર્યજનક રીતે વીડિયો પોસ્ટ કર્યાના દોઢ કલાકમાં જ નેહલે તે ડિલીટ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેના અંશો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા હતા.

જાણો કરણ જોષીએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પર આક્ષેપો થતા જ કરણ જોષીએ સામે આવીને સાચી હકીકત જણાવી હતી. કરણે સ્પષ્ટ કર્યું કે આ ઘટના નવી નથી, પણ ચાર-પાંચ મહિના જૂની એટલે કે જાન્યુઆરી મહિનાની છે. પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં જ્યારે તે પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતો, ત્યારે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું. હેકરે તેના એકાઉન્ટનો ઉપયોગ કરીને સગા-સંબંધીઓ અને મિત્રો પાસે પૈસાની માંગણી કરી હતી તેમજ કેટલાક લોકોને અયોગ્ય અને વાંધાજનક મેસેજ પણ કર્યા હતા. કરણે જણાવ્યું કે, પ્રમોશનની વ્યસ્તતાને કારણે તેને શરૂઆતમાં ખબર જ નહોતી કે તેના એકાઉન્ટમાંથી આવી પ્રવૃત્તિ થઈ રહી છે. જ્યારે હિતેચ્છુઓએ તેને જાણ કરી ત્યારે તેણે તુરંત જ ઇન્સ્ટા પેજ પર આ અંગેની સાવચેતીની પોસ્ટ મૂકી હતી.

નેહલ વડોલિયા સાથેની તે સમયની વાતચીત

કરણે વિગતે જણાવ્યું કે તે સમયે પણ આ બહેન (નેહલ) ને અયોગ્ય મેસેજ ગયા હતા અને ત્યારે જ આ બાબતે ચોખવટ થઈ ગઈ હતી. તે સમયે નેહલે પણ સ્વીકાર્યું હતું કે આમાં કરણ જોષીની કોઈ સીધી સંડોવણી નથી અને જે થયું છે તે હેકિંગના કારણે થયું છે. પરંતુ અત્યારે તે જ ઘટનાને ખોટી રીતે અને અલગ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.

કરણે વીડિયોના અંતે જણાવ્યું હતું કે, "દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે. મને સાચું શું છે તેના પર પૂરો વિશ્વાસ છે. મારા હિતેચ્છુઓ અને મિત્રો જાણે છે કે હું સાચો છું. આ વીડિયો બનાવવાનો એક જ હેતુ છે કે લોકો સુધી ભ્રામક માહિતીને બદલે સાચી હકીકત પહોંચે." કરણને છેલ્લા બે દિવસથી ઘણા મિત્રોના સપોર્ટમાં મેસેજ પણ મળી રહ્યા છે.

ડિજિટલ સુરક્ષા પ્રત્યે લાલબત્તી

આ ઘટનાએ ફરી એકવાર સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકો માટે ડિજિટલ સુરક્ષા કેટલી મહત્વની છે તે સાબિત કરી દીધું છે. હેકર્સ દ્વારા કોઈના પ્રતિષ્ઠિત નામનો ઉપયોગ કરીને કેવી રીતે ગેરમાર્ગે દોરી શકાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

અત્યારે આ મામલો શાંત પડતો દેખાઈ રહ્યો છે કારણ કે અભિનેત્રીએ વીડિયો ડિલીટ કરી દીધો છે અને એક્ટરે પોતાની બાજુ સ્પષ્ટ કરી દીધી છે. જોકે, આ વિવાદે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સોશિયલ મીડિયાના સુરક્ષિત વપરાશ અંગે નવી ચર્ચા છેડી દીધી છે.