Karan Joshi Nehal Vadoliya Chat Controversy: ગુજરાતી સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં હાલમાં એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. ગુજરાતી ફિલ્મ "લાલો - કૃષ્ણ સદા સહાયતે" માં લાલાની ભૂમિકા કરનાર કરણ જોષીની મુશ્કેલી વધી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાજીની બહેનપણીનું પાત્ર ભજવનાર અને જાણીતી OTT અભિનેત્રી નેહલ વડોલિયાએ કરણ જોષી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નેહલનો દાવો છે કે કરણે ઇન્સ્ટાગ્રામ પર તેની પાસે અયોગ્ય માંગણી કરી હતી અને અત્યંત અભદ્ર મેસેજ મોકલ્યા હતા. જોકે આ વિવાદમાં કરણ જોષીનું નિવેદન પણ સામે આવ્યું છે.
પુરાવા સાથે વીડિયો વાયરલ
અભિનેત્રી નેહલ વડોલિયાએ આ અંગે સોશિયલ મીડિયા પર અંદાજે 5 મિનિટનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ઇન્સ્ટાગ્રામ ચેટના સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડિંગ બતાવ્યા હતા. વીડિયોમાં નેહલ ભાવુક થતી જોવા મળી હતી અને તેણે એક્ટરને મોકલેલી એક ઓડિયો વોઈસ નોટ પણ સંભળાવી હતી, જેમાં તેની પીડા અને આક્રોશ સાંભળી શકાય છે. નેહલના જણાવ્યા અનુસાર, આ ઘટના જાન્યુઆરી 2026 માં બની હતી. જોકે, વીડિયો પોસ્ટ કર્યાના અંદાજે 1.5 કલાક બાદ તેણે તે ડિલીટ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ વીડિયો અને ચેટના સ્ક્રીનશોટ અનેક પ્લેટફોર્મ પર વાઈરલ થઈ ગયા હતા.
સમાધાન માટે દબાણ અને ઇમોશનલ બ્લેકમેલનો આક્ષેપ
અભિનેત્રીએ વધુમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે આ મામલો સામે આવ્યા બાદ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો, જેમાં એક પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કોમન ફ્રેન્ડ્સનો સમાવેશ થાય છે, તેમણે તેને મનાવવાનો અને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. નેહલે જણાવ્યું કે તેને એવું કહીને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવી હતી કે, "તમે ભગવાન કૃષ્ણમાં આટલી શ્રદ્ધા રાખો છો, તો આ બધું ડિલીટ કરી દો નહીંતર ભગવાનનું નામ ખરાબ થશે." નેહલે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કાંડ કોઈ અન્ય કરે અને નામ ભગવાનનું કેમ ખરાબ થાય?
એક્ટર કરણ જોષીનો બચાવ: 'મારું એકાઉન્ટ હેક થયું હતું'
બીજી તરફ, અભિનેતા કરણ જોષીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢતા લૂલો બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે જાન્યુઆરી મહિનામાં તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને તે સમયે તેઓ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતા. કરણના જણાવ્યા મુજબ, હેકિંગના કારણે 3 અલગ-અલગ લોકેશનથી લોગઇન થયું હતું અને તે મેસેજ તેમણે કર્યા નહોતા. જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ગ્રુપ કોલ પર નેહલ સાથે વાત કરી સ્પષ્ટતા કરી હતી. કરણે ઉમેર્યું કે તે સમયે તેઓ ટેકનોલોજી બાબતે નવા હોવાથી પોલીસ ફરિયાદ કરવાને બદલે માત્ર 'ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન' ચાલુ કરીને સિક્યોરિટી વધારી દીધી હતી.
પરિવારની ચિંતા અને કાનૂની સલાહ
કરણ જોષીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે 4-6 મહિના પછી અચાનક આ મુદ્દો ફરી કેમ ઉઠાવવામાં આવ્યો તેનો તેમને ખ્યાલ નથી. તેઓ આ ઘટનાથી પેનિક અનુભવી રહ્યા છે અને તેમના 60 વર્ષથી વધુ ઉંમરના બીમાર માતા-પિતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તે નેહલને ક્યારેય રૂબરૂ મળ્યા નથી. હાલમાં તેઓ પોતાની સામે થયેલા આક્ષેપો માટે કાનૂની કાર્યવાહી કરવા અંગે નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે.
કોણ છે નેહલ વડોલિયા?
નેહલ વડોલિયા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (એપિસોડ 2896) ઉપરાંત 'ગંદી બાત 3', 'મસ્તરામ', 'જૂલી' અને 'ટાઈપરાઈટર' જેવી જાણીતી વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે.
કોણ છે કરણ જોષી?
જ્યારે કરણ જોષી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉભરતો ચહેરો છે અને તાજેતરમાં જ ફિલ્મ 'લાલો' થી લોકપ્રિયતા મેળવી હતી. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં ખાસ નોંધનીય છે કે, ગુજરાતી જાગરણ આવા કોઈપણ પ્રકારના વીડિયો, ચેટના સ્ક્રીનશોટ કે પછી કથિત આક્ષેપો અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.
