NCRB રિપોર્ટ: પોલીસ કસ્ટડીમાં 5ની આત્મહત્યા અને 13નાં મોત, 72 અધિકારી-પોલીસકર્મીઓ સામે કેસ

ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં કુલ 13 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાંથી પાંચ લોકોએ આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 05 Oct 2025 08:39 AM (IST)Updated: Sun, 05 Oct 2025 08:49 AM (IST)
ncrb-report-5-suicides-and-13-deaths-in-police-custody-cases-against-72-officers-and-police-personnel
HIGHLIGHTS
  • કસ્ટોડિયલ ડેથના આ મામલે 72 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે.
  • પોલીસ કસ્ટડીમાંથી 28 આરોપીઓ ફરાર થયા હોવાની વિગતો પણ ખુલી છે.

NCRB Report: નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના વર્ષ 2023ના રિપોર્ટમાં ગુજરાતની પોલીસ કસ્ટડીમાં થયેલા મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં કુલ 13 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાંથી પાંચ લોકોએ આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ આંકડા રાજ્યના કાયદા અમલીકરણ એજન્સીઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે.

72 પોલીસકર્મીઓ સામે કેસ, 65 સામે ચાર્જશીટ દાખલ

કસ્ટોડિયલ ડેથ (પોલીસ કસ્ટડીમાં મૃત્યુ) ના આ મામલે 72 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. આમાંથી 70 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે અને 65 પોલીસકર્મીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. જે દર્શાવે છે કે આ ગંભીર ઘટનાઓમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, પોલીસ કસ્ટડીમાંથી 28 આરોપીઓ ફરાર થયા હોવાની વિગતો પણ ખુલી છે, જેમાંથી 24ની ધરપકડ કરવામાં આવી છે.

ઇન્કવાયરીના આદેશ છતાં એકપણ કેસ રજીસ્ટર્ડ નહીં

પોલીસ કસ્ટડીમાં થયેલા ૧૩ મૃત્યુના મામલે કાયદેસરની પ્રક્રિયા મુજબ પગલાં લેવામાં આવ્યા હતા. છ કેસમાં મેજિસ્ટ્રિયલ ઇન્કવાયરી અને સાત કેસમાં જ્યુડિશિયલ ઇન્કવાયરીના આદેશો આપવામાં આવ્યા હતા. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ઇન્કવાયરીઓ દરમિયાન એક પણ નવો કેસ રજિસ્ટર્ડ થયો નથી.

જોકે, બીજી તરફ ગુજરાત પોલીસની સેફ્ટીની વાત કરીએ તો, ઓન ડ્યૂટી ચાર પોલીસ કર્મચારીના અકસ્માતથી મોત થયા છે, જ્યારે 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આમાંથી 6 કર્મચારીઓ આરોપીના હુમલામાં અને 4 અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાતમાં ટોળાં, આતંકી હુમલા કે આરોપીઓ દ્વારા થતા હુમલામાં કોઈ પોલીસકર્મીનું મોત થયું નથી, જે અન્ય રાજ્યોની તુલનામાં વધુ સલામતી દર્શાવે છે. સમગ્ર રીતે જોતાં, પોલીસકર્મીઓ સામે નોંધાયેલા 72 કેસમાંથી 61 કેસમાં ચાર્જશીટ થઈ હતી, જ્યારે ત્રણ કેસ કોર્ટે ફગાવી દીધા હતા. આ રિપોર્ટ ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના મામલે સઘન તપાસ અને કાર્યવાહીની જરૂરિયાત દર્શાવે છે.

ગુજરાત પોલીસ પર કેટલા કેસ થયા અને કયા કેસમાં શું થયું તેની વિગત

કેસનું સ્ટેટસ સંખ્યા
કેસ દાખલ 72
કેસ પર સ્ટે 3
ચાર્જશીટ 61
ફાઈનલ રિપોર્ટ 2
કેટલા પોલીસ એરેસ્ટ 70
કેટલા સામે ચાર્જશીટ 65
કેસ પરત ખેંચાયો 7
ટ્રાયલ પુરી 2
સજા 0
નિદોર્ષ છુટ્યા 2

પોલીસ કસ્ટડીમાં કેટલા ભાગ્યા અને પોલીસ સામે કેટલા કેસ થયા

ભાગ્યા અને કેસ સંખ્યા
કેસ રિપોર્ટ થયા 28
લોકઅપમાંથી ભાગ્યા 7
લોકઅપ બહારથી ભાગ્યા 27
ફરી પકડાયા 24
ફરાર રહ્યા 4
પોલીસ પર કેસ 3
પોલીસ એરેસ્ટ 7
ચાર્જશીટ 7
સજા 0