પરેશ ગોસ્વામીની આગાહીઃ અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય, 7થી 9 ઓક્ટોબર દરમિયાન છૂટા છવાયા વરસાદની સંભાવના

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નબળી સિસ્ટમ સ્વરૂપે પહોંચશે અને આગામી 7 થી 9 ઓક્ટોબર દરમિયાન છૂટા છવાયા વરસાદ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 04 Oct 2025 03:26 PM (IST)Updated: Sat, 04 Oct 2025 03:26 PM (IST)
cyclone-shakti-may-bring-scattered-rains-in-gujarat-from-october-7-9
HIGHLIGHTS
  • અરબ સાગરની અંદર શક્તિ નામનું એક વાવાઝોડું સક્રિય છે, જે આગળ જતાં વધુ મજબૂત બની શકે છે.
  • આ વાવાઝોડાને નામ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે.

Paresh Goswami Agahi | Gujarat Weather Update: અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાત ‘શક્તિ’ (Shakhti Cyclone) હવે વધુ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી દૂર હોવા છતાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની આડકતરી અસર જોવા મળી શકે છે. માછીમારોને 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ન જવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નબળી સિસ્ટમ સ્વરૂપે પહોંચશે અને આગામી 7 થી 9 ઓક્ટોબર દરમિયાન છૂટા છવાયા વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અરબ સાગરની અંદર શક્તિ નામનું એક વાવાઝોડું સક્રિય છે, જે આગળ જતાં વધુ મજબૂત બની શકે છે અને સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે. આ વાવાઝોડાને નામ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા બંગાળની ખાડીમાંથી આવેલી એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ હતી, જેના કારણે 28 સપ્ટેમ્બર થી લઈને 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં સામાન્યથી ભારે અને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો. આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશી અને સતત પશ્ચિમ દિશામાં ગતિ કરી. આ ગતિ દરમિયાન દરિયાઈ તાપમાન ઊંચું મળવાને કારણે સિસ્ટમ વધુ મજબૂત બની અને તે અત્યારે વાવાઝોડું બની ચૂકી છે. શક્તિ વાવાઝોડું હાલમાં સતત પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, શક્તિ વાવાઝોડું સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાનથી થોડું દૂર રહેશે. જોકે, 5 ઓક્ટોબરના રોજ આ વાવાઝોડું ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે. યુ ટર્ન લીધા પછી તેની દિશા ફરીથી ગુજરાત તરફની થશે. જોકે, જ્યારે પણ આ સાયક્લોન યુ ટર્ન લેશે ત્યારે તે નબળું પડી જશે. એટલે ઓમાન પાસે નબળું પડીને પછી તે પાછું ફરીથી પૂર્વ દિશામાં અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી ગુજરાત તરફ આગળ વધશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાત માટે બહુ ચિંતાનું કારણ નથી, કારણ કે શક્તિ વાવાઝોડું જ્યારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે. નબળું પડીને તે ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પહોંચે ત્યાં સુધીમાં આ વાવાઝોડું વિખાઈ જાય તેવી શક્યતા છે. જો તે આગળ વધશે, તો તે સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે. આ વાવાઝોડું ગુજરાત ઉપર લેન્ડ ફોલ કરે તેવી શક્યતાઓ નહીવત્ છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ નબળી પડેલી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સાત, આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ પડી શકે છે. જેમાં સાત અને આઠ તારીખે વરસાદની તીવ્રતા થોડીક વધુ જોવા મળશે. વરસાદ છૂટા છવાયા હશે અને સાર્વત્રિક નહીં હોય. આ સમયગાળા દરમિયાન અડધા થી લઈને બે ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે. અગાઉ 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબરના રાઉન્ડમાં જેટલો વરસાદ પડ્યો હતો, એના કરતાં આ વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વાવાઝોડું અત્યારે દરિયાની અંદર સક્રિય છે, જેને કારણે ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. આથી, કોઈપણ માછીમાર ભાઈઓએ હાલ દરિયો ન ખેડવો. ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય એમણે પણ હાલ દરિયા કાંઠે ન જવું. શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં ચોક્કસથી સક્રિય છે, પણ ગુજરાતને કદાચ એની બહુ અસર ન થાય તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે, જેનાથી કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી.