Mumbai-Ahmedabad Bullet Train: દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેન સાથે સંકળાયેલા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું કામકાજ પણ બુલેટ સ્પીડમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષ 2026માં સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન લેવામાં આવી શકે છે, જ્યારે 2028 સુધીમાં અમદાવાદના સાબરમતીથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડી શકે તેવા અહેવાલો વચ્ચે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન દોડતી કરવાની કામગીરી ઝડપી બનાવાઈ છે.
મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનું કામકાજ કેટલે પહોંચ્યું? તેના પર નજર નાંખીએ તો… (Mumbai-Ahmedabad Bullet Train)
- ત્રણ એલિવેટેડ સ્ટેશનો એટલે કે ઠાણે, વિરાર અને બોઈસરમાં ઝડપથી કામકાજ થઈ રહ્યું છે. ખાસ કરીને વિરાર અને બોઈસર સ્ટેશન માટે પહેલો સ્લેબ કાસ્ટ પણ કરવામાં આવી ચૂક્યો છે.
- બુલેટ ટ્રેન કોરિડોરના માર્ગમાં અનેક સ્થળોએ થાંભલાના પાયા નાંખવાનું તેમજ થાંભલા ઉભા કરવાનું કામકાજ પણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 44 કિલોમીટરના રૂટ પર થાંભલા અર્થાત પિયરનું નિર્માણ થઈ ચૂક્યું છે.

- તાજેતરમાં જ પાલઘર જિલ્લાના દહાણુંમાં ફુલ સ્પેન બૉક્સ ગર્ડર લૉન્ચિંગ થકી વાયડક્ટનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
- પાલઘર જિલ્લામાં પર્વતો ખોદીને 7 સુરંગો બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.
- વૈતરણા, ઉલ્હાસ અને જગાની નદી પર પુલનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ચૂક્યું છે.

- બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મુંબઈ બુલેટ ટ્રેન માટે અંડરગ્રાઉન્ડ સ્ટેશન તેમજ મહારાષ્ટ્રના શિલફાટાની વચ્ચે 21 કિલોમીટર લાંબી ભારતની પ્રથમ દરિયાની અંદર ટનલ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. 21 કિલોમીટર પૈકી 16 કિમી લાંબી ટનલ બોરિંગ મશીન દ્વારા જ્યારે 5 કિમી લાંબી ટનલ ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM) થકી બનાવવામાં આવી રહી છે. જેમાં ઠાણે ક્રીક પર 7 કિમી લાંબી દરિયાની નીચેની ટનલ પણ સામેલ છે.
- વિક્રોલી (56 મીટરની ઊંડાઈએ) અને સાવલી શાફ્ટ (39 મીટરની ઊંડાઈએ) બંને પર બેઝ સ્લેબનું કાસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે.
- બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે નિર્માણાધીન મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું 80 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે. સ્ટેશન સાઇટના બંને છેડા પર જમીનની સપાટીથી 100 ફૂટ નીચે બેઝ સ્લેબ કાસ્ટિંગનું કામ પણ શરૂ થઈ ગયું છે.

- જણાવી દઈએ કે, બુલેટ ટ્રેન કોરિડોર 508 કિલોમીટર સુધી પથરાયેલો છે. જે પૈકી 353 કિમી ગુજરાતમાં છે. 320 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડતી બુલેટ ટ્રેન માટે 12 સ્ટેશનો બનાવવામાં આવશે, જે પૈકી 8 સ્ટેશન ગુજરાતમાં જ હશે.

મોદી સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 1 લાખ 8 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવશે તેવા અહેવાલ છે. આ માટે બન્ને સ્ટેશનો વચ્ચે એક એડવાન્સ સ્ટેશન પણ બનાવવામાં આવશે.જ્યારે શ્રમિકોને ટેક્નોલૉજી શીખવાડવા માટે જાપાનીઝ સહાયકોની પણ મદદ લેવામાં આવી રહી છે.