Monsoon Withdrawal Gujarat 2026: સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તર ભારતમાંથી સત્તાવાર વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધી છે.
જો કે ચોમાસાની વિદાય વચ્ચે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 6 ઓક્ટોબર સુધી કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભના ભાગો, છત્તીસગઢ અને તેલંગાણા તેમજ કર્ણાટકના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે સાનુકુળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
જો ગુજરાતમાં વરસાદની વિગતો જોઈએ તો, રાજ્યમાં અત્યાર સુધી 810.64 મી.મી. જ વરસાદ વરસ્યો છે, જે સીઝનનો સરેરાશ 89.19 ટકા જેટલો જ થવા જાય છે. એમાં પણ આ વખતે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ 114.23 ટકા વરસાદ થયો છે. જ્યારે રાજ્યના અન્ય એક પણ ઝોનમાં 100 ટકા વરસાદ નથી પડ્યો.
પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89.67 ટકા, સૌરાષ્ટ્રમાં 71.43 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા અને કચ્છમાં 57.60 ટકા જ સીઝનનો સરેરાશ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 206 જળાશયો પૈકી માત્ર 32 જળાશયો જ 100 ટકાથી વધુ ભરાયેલા છે. મોટી સંખ્યામાં જળાશયો પુરા ના ભરાતા, અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. આમ છતાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની અસરના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે.
