Ahmedabad Weather Today: ભારતીય હવામાન વિભાગના (IMD) અહેવાલ મુજબ, મંગળવાર અને બુધવારના રોજ ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહી હતી. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાને કારણે દિવસ દરમિયાન ગરમ અને અકળામણ ભરી સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં આકરી ગરમી
સુરેન્દ્રનગર 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ત્યારબાદ અમદાવાદ પણ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહ્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધારે હતું. રાજકોટમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો, જ્યાં પારો સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધુ એટલે 43.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
- અમરેલી શહેર: 42.1 ડિગ્રી સેલ્સિયસ
- ડીસા શહેર: 41.8 ડિગ્રી સેલ્સિયસ
- ભાવનગર શહેર: 41.7 ડિગ્રી સેલ્સિયસ
- વડોદરા શહેર: 40.6 ડિગ્રી સેલ્સિયસ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીથી રાહત
ભેજ અને દરિયાઈ પવનોની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આંતરિક ભાગોની સરખામણીમાં તાપમાન નીચું જોવા મળ્યું હતું. જેમાં સુરતમાં 35.6 ડિગ્રી, પોરબંદરમાં 35 ડિગ્રી, વેરાવળ અને દીવ બંનેમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકા 32.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું.
આજનો હવામાન રિપોર્ટ (28 મે, ગુરુવાર)
| સ્ટેશન | મહત્તમ તાપમાન (°C) | સામાન્યથી તફાવત | ન્યૂનતમ તાપમાન (°C) | સામાન્યથી તફાવત |
|---|---|---|---|---|
| અમદાવાદ | 43.6 (27/05) | 1.7 | 28.8 | 0.6 |
| અમરેલી | 42.1 (27/05) | 1.6 | 26.4 | -0.1 |
| બરોડા | 40.6 (27/05) | 0.7 | 30.0 | 1.8 |
| ભાવનગર | 41.7 (27/05) | 1.6 | 27.8 | -0.1 |
| ભુજ | 39.2 (27/05) | 0.4 | 28.0 | 1.5 |
| દમણ | 36.0 (27/05) | - | 29.2 | - |
| ડીસા | 41.8 (27/05) | 0.8 | 27.6 | 1.1 |
| દીવ | 34.0 (27/05) | -0.2 | 28.4 | 2.8 |
| દ્વારકા | 32.7 (27/05) | 0.3 | 28.5 | 0.4 |
| ગાંધીનગર | 42.5 (27/05) | 0.8 | 27.4 | -1.5 |
| કંડલા | 37.5 (27/05) | 1.1 | 29.0 | 1.1 |
| નલિયા | 35.3 (27/05) | 0.2 | 28.8 | 1.3 |
| પોરબંદર | 35.0 (27/05) | 0.8 | 28.8 | 1.3 |
| રાજકોટ | 43.3 (27/05) | 2.5 | 26.4 | -0.2 |
| સુરત | 35.6 (27/05) | 0.3 | 28.2 | 0.0 |
| સુરેન્દ્રનગર | 44.0 (27/05) | 1.6 | 28.7 | 0.7 |
| વેરાવળ | 34.0 (27/05) | 0.7 | 29.2 | 1.8 |
આ પણ વાંચો: Gujarat Weather Forecast: આજે અમદાવાદ અને રાજકોટમાં ગરમ પવન ફૂંકાઇ શકે, પારો 40 ડિગ્રીને પાર
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કોઈપણ મુખ્ય હવામાન સ્ટેશનો પર વરસાદ નોંધાયો નથી. જોકે, ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર છે કે હવામાન વિભાગ દ્વારા આગામી વીકેન્ડથી કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
