Mahadev Betting App Case: સૌરભ ચંદ્રાકરની પૂછપરછ બાદ CBIના અમદાવાદ, વડોદરા અને સુરતમાં દરોડા, હવાલા નેટવર્કનો પર્દાફાશ

સીબીઆઈએ (CBI) મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની પૂછપરછ બાદ ગુજરાત સહિત 6 રાજ્યોના 33 ઠેકાણે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ડિજિટલ પુરાવા અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, જેનાથી હવાલા નેટવર્ક દ્વારા વિદેશમાં નાણાં મોકલવાનો ખુલાસો થયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Nov 2026 08:16 PM (IST)Updated: Sat, 14 Nov 2026 08:16 PM (IST)
mahadev-betting-app-case-cbi-raids-ahmedabad-vadodara-and-surat-after-saurabh-chandrakars-extradition

Mahadev Betting App Case: CBIએ છેલ્લા કેટલાક દિવસોમાં ‘મહાદેવ ઓનલાઇન બુક એપ’ નામના ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા 'પેનલ ઓપરેટરો'ના ઠેકાણાઓ પર રેડ કરી છે. આ રેડ ગુજરાત સહિત 6 રાજ્યોમાં આવેલા 33 સ્થળો કરી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો પણ સમાવેશ થાય છે.

'મહાદેવ ઑનલાઈન બુક એપ' નામના ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મના પ્રમોટર અને સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની પૂછપરછના આધારે ક્રાઈમ બ્રાન્ચ ઑફ ઈન્ડિયા (CBI)ની ટીમે અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 6 રાજ્યોના 33 ઠેકાણે સાગમટે દરોડા પાડ્યા છે.

તાજેતરમાં જ મહાદેવ એપ પ્લેટફોર્મના પ્રમોટર અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત ઓમાન સલ્તનતથી ભારત લાવવામાં આવ્યો હતો. જે બાદ સૌરભની પૂછપરછ દરમિયાન તેણે આપેલી માહિતીના આધારે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સટ્ટાબાજી અને જુગારની અનેક પેનલ્સ ચાલતી હોવાનું ધ્યાને આવતા તેને બંધ કરાવી દેવામાં આવી છે. આ સાથે જ એજન્સીઓએ દરોડા દરમિયાન ડિજિટલ પુરાવા, મોબાઈલ ફોન અને વાંધાજનક દસ્તાવેજો મળી આવતા જપ્જ કરવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટનો મ્યૂલ બેંક ખાતા અને હવાલા નેટવર્ક માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

રાયપુર સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતાં સૌરભ ચંદ્રાકરને 8 દિવસની કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ પૂછપરછમાં સૌરભે પોતાના પ્લેટફોર્મના કામકાજ અને તેના પેનલ ઓપરેટરના નેટવર્ક સાથે સંકળાયેલી જાણકારી આપી હતી.

જણાવી દઈએ કે, છત્તીસગઢ રાજ્ય સરકારે સમગ્ર કેસની તપાસ CBIને સોંપ્યા બાદ મહાદેવ ઑનલાઈન બુક એપ કેસમાં 2 FIR નોંધવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે, આ પ્લેટફોર્મમાં વિદેશમાં રહેલી હેડ ઑફિસ થકી વહીવટ કરવામાં આવતો હતો, જ્યારે ભારતમાં પેનલ ઓપરેટરોના એક મોટા નેટવર્ક થકી તેનો વહીવટ થતો હતો.

આ પેનલ ઓપરેટરો ગ્રાહકોના આઈડી સાચવતા હતા અને સટ્ટાબાજીથી મળેલી રકમ એવા બેંક ખાતામાં જમા કરતાં, જે અન્ય લોકોના નામે ખોલવામાં આવ્યો હોય કે પછી ભાડે લેવાામં આવ્યા હોય. જે બાદ નફાની રકમને હવાલાના માધ્યમથી વિદેશ મોકલી દેવામાં આવી હતી.