Ahmedabad Water Cut: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઈજનેર વોટર પ્રોજેક્ટ અંતર્ગત જાસપુર 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત મુખ્ય ટ્રંકમેઈન લાઈનો પર તાત્કાલિક રીપેરિંગ અને લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ કામગીરી માટે મનપા દ્વારા આગામી 16 નવેમ્બર સોમવારના રોજ શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પરિણામે શહેરના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં સોમવારે પાણી કાપ રહેશે.
સ્કાઉર વાલ્વ રિપેરિંગ અને ડ્રેનેજ કામગીરીમાં લાઈન શિફ્ટિંગની કામગીરી
AMC દ્વારા જણાવ્યા પ્રમાણે, જાસપુર પ્લાન્ટ આધારિત લાઈન પૈકી લીલાપુર ગામ પાસે આવેલ લીલાપુર તળાવ નજીકની 1300 મીમી વ્યાસની લાઈનના સ્કાઉર વાલ્વનો સ્પીન્ડલ રોડ ખરાબ થઈ ગયો હોવાથી નવો સ્પીન્ડલ રોડ નાખવામાં આવશે
જ્યારે સરખેજ નેશનલ હાઈવે પર કેડીલા સર્કલથી APMC તરફ જતી 750 મીમી વ્યાસની એમ.એસ. ટ્રંકમેઈન લાઈન પર અંબર ટાવર- ક્લાસિક હોમ પાસે ડ્રેનેજ રી-હેબની કામગીરીમાં નડતરરૂપ લાઈન શિફ્ટિંગનું કામ હાથ ધરાશે.
આ કામગીરીના કારણે 16 નવેમ્બરના રોજ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સવારે 8 વાગ્યા બાદ પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે. જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા, બોડકદેવ, થલતેજ, હેબતપુર, શીલજ, બોપલ-ઘુમા ઉપરાંત સરખેજ-મક્તમપુરા વોર્ડમાં સવારે પાણી પુરવઠો પુરો પાડ્યા બાદ બપોર પછી સપ્લાય બંધ કરી દેવામાં આવશે. જે બીજા દિવસે એટલે કે મંગળવારે 17 નવેમ્બરે સમારકામ બાદ ઉપલબ્ધ જથ્થા મુજબ પુરો પાડવામાં આવશે.
