Ahmedabad News: ગટર સમસ્યાથી ત્રસ્ત જનતાનો રોષ ફાટ્યો: નરોડાના લોકોએ રોડ બ્લોક કરી વિરોધ નોંધાવ્યો, ટ્રાફિકજામમાં વાહનચાલકો ફસાયા

નરોડા રોડ પરની અનેક ચાલીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા લાંબા સમયથી પ્રવર્તી રહી છે. આ સમસ્યાના કારણે રહેવાસીઓને રોગચાળાનો ભય અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 03 Sep 2025 01:36 PM (IST)Updated: Wed 03 Sep 2025 01:36 PM (IST)
locals-protest-block-road-in-ahmedabads-naroda-area-596580

Ahmedabad Latest News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડામાં અરવિંદ મીલ નજીક સ્થાનિક રહેવાસીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવ અને ખાસ કરીને ઉભરાતી ગટરોની સમસ્યાના કાયમી નિરાકરણ ન આવતા રોડ બ્લોક કરીને વિરોધ નોંધાવ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં સમસ્યા હલ ન થતા રોષે ભરાયેલી જનતાએ આ પગલું ભર્યું હતું, જેના કારણે વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ AMCના અધિકારીઓ સ્થળ પર પહોંચી ઝડપી કામગીરીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, નરોડા રોડ પરની અનેક ચાલીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા લાંબા સમયથી પ્રવર્તી રહી છે. આ સમસ્યાના કારણે રહેવાસીઓને રોગચાળાનો ભય અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નરોડામાં અરવિંદ મિલ નજીક સ્થાનિક રહેવાસીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકો દ્વારા આ સમસ્યા અંગે ઉચ્ચ અધિકારીઓથી માંડીને સ્થાનિક કોર્પોરેટરો સુધી વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. આખરે, રોષે ભરાયેલા ચાલીઓના રહીશો રોડ પર ઉતરી આવ્યા હતા અને વાહનવ્યવહાર અવરોધિત કર્યો હતો, જેના પરિણામે ટ્રાફિક જામ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ AMCના અધિકારીઓ સક્રિય થયા હતા. ઇજનેર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે અને તેને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ચામુંડાની ચાલી, કાલુપુર બ્રિજથી અમદુપુરા નજીક સહિતના વિસ્તારોમાં ગટર ઉભરાવવાની ફરિયાદો હતી. અધિકારીઓ દ્વારા સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવતા, સ્થાનિકોએ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.