Ahmedabad: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ ખેડૂત નેતા રાજુ કરપડાએ અચાનક પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજુ કરપડાનું રાજીનામું AAP માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યું છે. હવે રાજુ કરપડા ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે, એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ દૂધાતે આમ આદમી પાર્ટીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
ગોપાલ ઈટાલિયા AAPને ઝાડું મારીને સાફ કરી નાંખશે
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, વિસાવદર વિધાનસભાની ચૂંટણી સમયે રાજુ કરપડા લોકોને મજા પડે તેવા નિવેદન કરતા હતા. જો કે હવે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.
વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા આગામી સમયમાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હાલ પણ રાજુ કરપડા જેવા જ થવાના છે. ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને ઝાડું મારીને સાફ કરી નાંખશે. કોંગ્રેસ નેતાની ભવિષ્યવાણીને પગલે રાજકારણ ગરમાયું છે. એવામાં ઈસુદાન ગઢવીએ પ્રતાપ દૂધાત સહિત આખી કોંગ્રેસને આડેહાથ લઈ લીધી છે.
કોંગ્રેસ ડૂબતી નાવ, 2027 પહેલા નીકળી જજો
પ્રતાપ દૂધાતના નિવેદન પર ગુજરાત આપના પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે. મારી કોંગ્રેસના નેતાઓને એક જ વિનંતી છે કે, 2027 પહેલા ડૂબતી નાવમાંથી નીકળી જજો, નહીંતર આગામી વિધાનસભા ચૂંટણી પછી તમારું ક્યાંય ઠેકાણું નહીં પડે.
હાલ કોંગ્રેસમાં જે બેઠા છે, તે બધા મુખ્યમંત્રીના દીકરાઓ છે, જેમણે ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાં સામાન્ય પરિવારમાંથી આવતા લોકો છે. અમે ખેડૂતો, ગરીબો, વંચિતો અને શોષિતો માટે મજબૂતાઈથી અવાજ ઉઠવવાના છીએ. અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ, એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે.
