Ahmedabad: અમદાવાદના હાથીજણ વિસ્તારની એક હોટલમાં નડિયાદની મહિલાના પરિવારજનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહિલા પોતાના બાળકોનું LC લેવા સ્કૂલમાં પહોંચતા લંપટ આચાર્યએ તેને હોટલમાં એકલા મળવા બોલાવી હતી. જે બાદ મહિલા પોતાના પરિવારજનો સાથે પહોંચતા આચાર્ય બે હાથ જોડીને કાકલૂદી કરવા લાગ્યો હતો.
બાળકોના લિવિંગ સર્ટીફિકેટ લેવા માટે હોટલમાં આવવું પડશે
37 વર્ષીય મહિલાના બે બાળકો નડિયાદ વિસ્તારની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ મહિલાને પોતાના બાળકોની સ્કૂલ બદલવી હોવાથી તેણે સ્કૂલ છોડ્યાનું પ્રમાણ પત્ર (LC) મેળવવા માટે અરજી કરી હતી. આ સંદર્ભે મહિલા સ્કૂલના આચાર્ય કિરીટસિંહ ઝાલાને મળી હતી. જ્યાં લંપટ આચાર્યએ બાળકોના LC લેવા હોય, તો હોટલમાં એકલા આવવું પડશે તેમ જણાવ્યું હતુ.,
આચાર્યની અઘટિત માંગણીથી હેબતાઈ ગયેલી મહિલાએ પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ આચાર્યના કહ્યા પ્રમાણે અમદાવાદના હાથીજણ વિસ્તારની હોટલ રૉયર ઈનમાં મળવા માટે પહોંચી હતી. જ્યાં સ્કૂલનો આચાર્ય કિરીટસિંહ ઝાલા હોટલના રૂમ નંબર 304માં રોકાયો હતો. જેવી મહિલા આચાર્યના રૂમમાં પહોંચી, તેની પાછળ જ પરિવારના સભ્યો પણ આવી પહોંચ્યા હતા.
જે બાદ મહિલાના પરિવારજનોએ આચાર્યને પકડીને હોબાળો મચાવ્યો હતો. જેના પગલે આચાર્ય બે હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો. આ સમયે રૂમમાંથી સ્કૂલની LC બુક પણ મળી આવી હતી. આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ તો વટવા GIDC પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'આ છેલ્લી મુલાકાત છે, તમે એકલા જ આવજો'
મહિલાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, મારે મારા બાળકોની સ્કૂલ બદલવી હોવાથી મેં લિવિંગ સર્ટીફિકેટ માંગ્યું હતુ. જેથી આચાર્ય મને LC આપવાના બહાને વોટ્સએપ પર ખોટા મેસેજ કરવા લાગ્યો હતો. કિરીટસિંહ ઝાલાએ મળવાનું કહેતા, હું મારી મિત્રને લઈને નડિયાદ મળવા ગઈ હતી. આ સમયે આચાર્યએ હવે મળીએ ત્યારે એકલા આવજો તેમ જણાવ્યું હતુ. જે બાદ મને અમદાવાદની હોટલમાં મળવા બોલાવી હતી.
