Ahmedabad Crime News: અમદાવાદમાં મેટ્રિમોનિયલ સાઈટ પર પ્રોફાઈલ બનાવનાર યુવકને એક યુવતીએ રિકવેસ્ટ મોકલી ફ્રેન્ડ બનાવ્યો હતો. ચોથા જ દિવસે યુવતીએ સોનામાં રોકાણ કરવાનું કહીને યુવકને લિંક મોકલીને રૂપિયા 44.17 લાખ પડાવી લીધા હતા. યુવકને રોકાણ સામે એપ્લિકેશનમાં પ્રોફિટ સાથે રૂપિયા 80.16 લાખ નફા સાથેનું બેલેન્સ દેખાતું હતું. પૈસા ઉપાડવા માટે ઈન્કમટેક્સ ફી અને કન્વર્ઝન ફી પેટે રૂપિયા 13.76 લાખની માંગણી કરવામાં આવતા યુવકને શંકા જતા તેને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોલ્ડમાં રોકાણનું કહીને પૈસા પડાવ્યા
વસ્ત્રાપુર ગોયલ ઇન્ટરસિટીમાં વસવાટ કરતા પ્રતીક બંસલે શાદી ડોટ કોમ માં પ્રોફાઈલ બનાવી હતી. 5 જુલાઈએ પ્રોફાઈલ ચેક કરતા તેમાં ખુશી અગ્રવાલ નામની છોકરીની પ્રોફાઈલ જોતા તેના નંબર પર મેસેજ કર્યો હતો. બંનેએ એકબીજાને મેસેજ કરતા હોવાથી તેમની વચ્ચે ફેન્ડશીપ થઈ હતી. ચારેક દિવસ પછી ખુશીએ પ્રતીકને મેસેજમાં પૂછ્યું કે, તમે ગોલ્ડમાં રોકાણ કરવા માંગો છો? જેમાં પ્રતીકે હા પાડતા ખુશીએ જણાવ્યું કે, નાની રકમથી રોકાણ શરૂ કરીશું.
ફરીયાદ નોંધાવાઇ
પ્રતીકે આ બાબતે ખુશીને પૂછ્યું કે, ગોલ્ડમાં રોકાણ કરવા માટે કેવા પ્રકારની પ્રોસેસ કરવી પડશે. જેના જવાબમાં ખુશીએ એક લિંક મોકલી હતી. જેમાં પ્રતીકે પર્સનલ માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ ખુશીએ શરૂઆતમાં રૂપિયા 50,000 નું રોકાણ કરવા કહ્યું હતું. જેમા બીજા જ દિવસે પ્રતીકને રૂપિયા 6200 નફો જોવા મળ્યો હતો. ધીમે-ધીમે કરીને પ્રતીક પાસે એપ્લીકેશનમાં કુલ રૂપિયા 44.17 લાખનું રોકાણ કરાવ્યું હતું. જેની સામે પ્રતીકને એપ્લિકેશનમાં 80.16 લાખનું બેલેન્સ દેખાઈ રહ્યું હતું. જ્યારે પ્રતીકે ટુકડે ટુકડે રૂપિયા 1.33 લાખ ઉપાડ્યા હતા. જ્યારે પ્રતીકે બીજા પૈસા વિડ્રો કરવા પ્રયાસ કર્યો પરંતુ તે થઇ શક્યા ન હતા.