Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસના સગીર આરોપીને મોટી રાહત, હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

આરોપી સતત તણાવમાં રહેતો હોવાથી હાઈકોર્ટે તેને રાહત આપી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 03 Apr 2026 02:45 PM (IST)Updated: Fri, 03 Apr 2026 02:45 PM (IST)
high-court-grants-bail-to-minor-accused-of-ahmedabad-seventh-day-school-murder-case
HIGHLIGHTS
  • સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ અપડેટ
  • સગીર આરોપીના જામીન મંજૂર
  • હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

Seventh Day School murder case: અમદાવાદમાં ચકચાર મચાવનાર સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસના સગીર આરોપીના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. અમદાવાદની નીચલી કોર્ટે અગાઉ જામીન અરજી ફગાવી દીધા બાદ આરોપી પક્ષે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, રાજ્ય સરકાર તરફથી આરોપીને જામીન નહીં આપવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

આરોપીના શરતી જામીન મંજૂર

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે, કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એક વિદ્યાર્થી છે, અને કેસ ચાલવામાં હજુ સમય જશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટે આરોપી કિશોરના પિતા દ્વારા 10 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

હત્યા કેસની હાલની સ્થિતિ શું?

આ સમગ્ર કેસની સુનાવણી હાલ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ ચાલી રહી છે, જેમાં ચાર્જશીટમાં દર્શાવેલા કુલ 55 સાક્ષીમાંથી અત્યાર સુધીમાં 17 જેટલા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ છે. નોંધનીય છે કે, હત્યાની ઘટના બાદ સ્કૂલ પ્રશાસન દ્વારા આરોપી વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો હતો.

પ્રોબેશન રિપોર્ટમાં મોટો ખુલાસો

ગુજરાત હાઈકોર્ટમાં પ્રોબેશન અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, હત્યાની ઘટના બની તે પહેલા મૃતક કિશોર આરોપીને હેરાન કરતો હતો. આ ઉપરાંત, આરોપી વિદ્યાર્થી અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ફરાર થઈ ગયો હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું હતો સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ?

ગત 19 ઓગસ્ટ, મંગળવારના રોજ ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબતમાં ધોરણ-10ના એક વિદ્યાર્થીએ તેના જ ક્લાસના અન્ય વિદ્યાર્થીને બોક્સ કટર મારી દીધું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ વિદ્યાર્થીનું 20 ઓગસ્ટ, બુધવારે સવારે મણિનગરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનોએ સ્કૂલે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો અને પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આશરે 2000 જેટલા લોકોના ટોળાએ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી એટલે કે સતત 4 કલાક સુધી સ્કૂલ અને આસપાસના વિસ્તારને બાનમાં લીધો હતો. શાહઆલમ વિસ્તારમાં રહેતા આ સગીર આરોપી સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.