Ahmedabad News: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલા ચકચારી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું છે. આ ચાર્જશીટમાં અનેક દસ્તાવેજો અને મહત્વના પુરાવાઓનો સમાવેશ થાય છે. જુવેનાઈલ કોર્ટના સ્પેશિયલ જજ એમ. વી. પંડ્યાએ આ ચાર્જશીટને રેકોર્ડ પર લીધું હતું. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરના વાલી અને વકીલને પણ ચાર્જશીટની નકલો પૂરી પાડવામાં આવી છે. આ ઘટનાને એક મહિનો પૂરો થયો છે ત્યારે જ તપાસનીશ એજન્સીએ ઝડપી કાર્યવાહી કરીને ચાર્જશીટ ફાઈલ કરી છે.
આશરે 100થી વધુ પાનાના આ ચાર્જશીટમાં 50થી વધુ પુરાવાઓ જુવેનાઈલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આપવામાં આવેલા નિવેદનો, સીસીટીવી ફૂટેજ, કિશોરની ઓળખ પરેડ અને બનાવના નજરે જોનારા સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે. અધિક સરકારી વકીલ અમિત તિવારીએ કેસ સંબંધિત હકીકતો અને કિશોરના ચાલી રહેલા કાઉન્સેલિંગ વિશે જુવેનાઈલ કોર્ટને જાણ કરી હતી.
હત્યાના આરોપી કિશોરને હાલ બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યો છે. દર બે-ત્રણ દિવસે નિષ્ણાત તજજ્ઞો દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આ રિપોર્ટમાં હજુ પણ કિશોરને સુધારવા માટે કાઉન્સેલિંગની જરૂર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટ દાખલ થતા હવે આગામી દિવસોમાં કિશોરના પરિવાર દ્વારા જામીન અરજી કરવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે અત્યાર સુધી કોઈ જામીન અરજી કરવામાં આવી નથી.
કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ઉંમર ૧૬ વર્ષથી ઓછી હોવાથી તેની વિરુદ્ધની ન્યાયિક કાર્યવાહી જુવેનાઈલ જસ્ટિસ કોર્ટમાં જ ચાલશે. ચાર્જશીટની નકલો મળ્યા બાદ હવે કોર્ટ દ્વારા આગામી દિવસોમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. તે સમયે કોર્ટ કિશોરને પૂછશે કે તેને ગુનો કબૂલ છે કે કેમ. જો કિશોર ગુનો કબૂલ નહીં કરે તો જુવેનાઈલ કોર્ટ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસનો ટ્રાયલ ચલાવશે.
ઉલ્લેખનીય છે કે, ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની ધક્કામુક્કી દરમિયાન એક સાથી વિદ્યાર્થીએ કિચન કટરના ઘા મારીને તેની હત્યા કરી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું હતું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ૩૦ મિનિટ સુધી ઓટલા પર બેસી રહ્યો હતો, પરંતુ કોઈ સુરક્ષા ગાર્ડ, શિક્ષક કે અન્ય કોઈ તેને હોસ્પિટલ લઈ ગયું ન હતું. આ ઘટના બાદ પોલીસે આરોપી કિશોરની અટકાયત કરી તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કર્યો હતો. ત્યારથી તે બાળ સંરક્ષણ ગૃહમાં છે.
