'ઈતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ' હાર્દિક પટેલ બાદ અલ્પેશ કથીરિયાની આક્રમક પોસ્ટ; પાટીદાર નેતાઓ કંઈક મોટું કરવાની તૈયારીમાં!

ધારાસભ્ય હાર્દિક પટેલે 25 નવેમ્બર, બુધવારની સાંજે એક પોસ્ટ કરી હતી, જે બાદ અન્ય નેતાઓએ પણ તેમના સમર્થનમાં પોસ્ટ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 10:13 PM (IST)Updated: Thu, 26 Nov 2026 10:13 PM (IST)
hardik-patel-and-alpesh-kathiriya-viral-social-media-post-patidar-leaders

Hardik Patel-Alpesh Kathiriya Viral Post: ગુજરાતમાં 2015 ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપ સરકાર સામે બાયો ચડાવી ચર્ચામાં આવેલા અને પાછળથી ભાજપમાં જોડાઈ સક્રિય રાજકારણમાં પ્રવેશેલા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાર્દિક પટેલે "મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા" લખેલી પોસ્ટ કરી હતી. જે બાદ અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની જૂની તસવીર શેર કરીને આવો જ સંદેશ આપ્યો છે.

હાર્દિક પટેલે 25 નવેમ્બરે કરી હતી આક્રમક પોસ્ટ

વિરમગામ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે 25 નવેમ્બર, બુધવારની સાંજે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કરતા પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં કેપ્શન લખ્યું હતું "મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી."

હાર્દિક પટેલની આ પોસ્ટ ગણતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. પોસ્ટમાં કોને ઉદ્દેશીને સંદેશ આપવામાં આવ્યો છે તે અંગે વિવિધ અટકળો શરૂ થઈ હતી. જોકે, આ બાબતે હાર્દિક પટેલે બાદમાં કોઈ માધ્યમથી કોઈપણ પ્રકારનો ખુલાસો કર્યો નહોતો. પરંતુ નેટિઝન્સ પોસ્ટમાં વિવિધ કોમેન્ટો કરવા લાગ્યા હતા.

અલ્પેશ કથીરિયાએ શેર કરી હાર્દિક સાથેની તસવીર

હાર્દિક પટેલની પોસ્ટ વાયરલ થયા બાદ પાટીદાર અનામત આંદોલનના સમયના તેમના સાથી અને PAAS ના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હાર્દિક પટેલ સાથેની એક જૂની તસવીર શેર કરતા પોસ્ટ કરી હતી.

અલ્પેશ કથીરિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, "અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઈતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી."

બંને નેતાઓ હાલ ભાજપમાં સક્રિય, પોસ્ટ કોના માટે?

પાટીદાર અનામત આંદોલન સમયે સરકાર સામે બાંયો ચડાવી ચર્ચામાં આવ્યા બાદ પોતાની રાજકીય ઓળખ ઊભી કરનાર હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા અનુક્રમે વર્ષ 2022 અને 2024માં ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાયા હતા. જોકે, બંને નેતાએ અચાનક આક્રમક અંદાજમાં પોસ્ટ મૂકતાં આ સંદેશ કોને ઉદ્દેશીને આપવામાં આવ્યો છે તે અંગે ચર્ચા જામી છે.

આ મામલે અલ્પેશ કથીરિયાએ મીડિયા માધ્યમ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, આ પોસ્ટ તેમણે માત્ર હાર્દિક પટેલના સમર્થનમાં મૂકી છે. જોકે, હાર્દિક પટેલે કયા સંદર્ભમાં અને શા માટે પોસ્ટ મૂકી છે તેની પોતાને કોઈ જાણ નથી તેમ તેમણે જણાવ્યું હતું. આ મુદ્દે હાર્દિક અને તેમની વચ્ચે કોઈ વાતચીત પણ થઈ ન હોવાનું અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ કર્યું હતું.

ધાર્મિક માલવીયાની પોસ્ટથી પણ ચર્ચા તેજ

હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા બાદ હવે પાટીદાર સમાજના યુવા નેતા અને PAAS ના કન્વીનર ધાર્મિક માલવીયાએ પણ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સાથેની એક જૂની તસવીર શેર કરતા લખ્યું:

"અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં!

અમે સમય આવ્યે ઈતિહાસ લખવાની તાકાત રાખીએછીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખાવવાનો શોખ નથી!

અમારી ગતિ ભલે ધીમી લાગે આજની દુનિયાને, પણ અમારા પગલાં જ આગળ જઈને રસ્તો બનશે!

અમારો અવાજ ભલે શાંત રહે તોફાન પહેલાં, પણ જ્યારે ગર્જશું ત્યારે ઘણું બધું હચમચી જશે!

આંધી હોય કે તડકો, અમે હંમેશા એકબીજાની પડખે ઊભા રહેતા. શબ્દો ભલે જુદા લાગે કે રસ્તા ક્યારેક વળે, પણ દિલના તાર તો હંમેશા એક જ ધબકાર પર ધબકે!

કોઈ ગેરસમજમાં રહીને અમને અલગ ના ગણશો."

એક જ પ્રકારની પોસ્ટને લઈને રાજકીય ચર્ચા જામી

એક પછી એક પાટીદાર નેતાઓની આવી પોસ્ટની કડીમાં હવે કોણ જોડાય છે તે સમયે ખબર પડશે. પરંતુ આ ત્રણેય નેતાની એક જ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની છે. જોકે, આ પોસ્ટ્સ પાછળનો ચોક્કસ સંદર્ભ શું છે અને કોને ઉદ્દેશીને આ સંદેશ આપવામાં આવ્યા છે તે અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.