Gujarat Weather Forecast: 'અલ નીનો'ની અસરના કારણે ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં અપેક્ષા પ્રમાણે વરસાદ નથી વરસ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ચોમાસાની વિદાય બાદ હવામાનમાં અણધાર્યા ફેરફાર નોંધાઈ રહ્યા છે. એક તરફ રાજકોટમાં ઓક્ટોબર મહિનાનું રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે, તો બીજી તરફ ચોમાસામાં વરસાદની ઘટ અનુભવતા પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ પણ પડ્યો હતો.
અત્યારે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી અને બફારો બૂમ પડાવી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, હાલ સમગ્ર ગુજરાતમાં પવનની ગતિ સામાન્ય એટલે કે 13 થી 15 કિમી પ્રતિકલાકની ઝડપે ચાલી રહી છે. આગામી 24 ઓક્ટોબર સુધી પવનની ગતિમાં કોઈ ફેરફાર નહી જોવા મળે. જો કે 'અલ નીનો'ની અસરના કારણે હાલ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચુ નોંધાઈ રહ્યું છે.
અત્યારે ગુજરાતમાં સરેરાશ તાપમાન 37 થી 39 ડિગ્રીની રેન્જમાં છે. જ્યારે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના કારણે ઉનાળાની ગરમી જેવો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આગામી 24 ઓક્ટોબર સુધી તેમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. જો કે 5 નવેમ્બરની આસપાસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠું લાવશે
રાજ્યમાં ઊંચુ તાપમાન, ભેજ અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 24 ઓક્ટોબર દરમિયાન માવઠું થઈ શકે છે. એવામાં પણ આવનારા 2 થી 3 દિવસ જ છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવના છે. આ વરસાદ સાર્વત્રિક નહીં હોય, પરંતુ જિલ્લાના અમુક ગામો પુરતો સિમિત રહેશે.
જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી, ડાંગ, વલસાડ અને તાપી સહિતના જિલ્લાઓમાં માવઠાની શક્યતા વધારે છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાથી 100 કિમી સુધીના વિસ્તારમાં જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદના ભાગોમાં ઝાપટાં પડી શકે છે.
તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ એકલ-દોકલ સ્થળે સામાન્ય છાંટા પડી શકે છે. હાલના સમયે મગફળીનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું હોવાથી, જે વિસ્તારોમાં માવઠું પડે, ત્યાં કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ રહેશે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં હાલ વાવાઝોડું બનવાની કોઈ શક્યતા નથી. જો કે ઓક્ટોબરના અંત અથવા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના પરિણામે આગળ વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.
