Gujarat Weather Forecast: અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય પણ ગુજરાત પર અસર નહીં, બે દિવસ દરિયાકાંઠે મોજા ઉછળવાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આગામી 21 ઓક્ટોબર સુધી અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછી ઉંચાઇવાળા મોજા ઉછળી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 20 Oct 2026 04:16 PM (IST)Updated: Tue, 20 Oct 2026 04:16 PM (IST)
gujarat-weather-forecast-arabian-sea-system-active-no-major-impact-expected-on-gujarat-coast

Gujarat Weather Update: અરબ સાગરમાં હાલ એક સિસ્ટમ સક્રિય થઇ છે. જે ગઇકાલે વેલ માર્ક્ડ લો પ્રેશરમાં પરિવર્તિત થઇ હતી. જોકે આ સિસ્ટમની સીધી અસર ગુજરાત કે તેની આસપાસના દરિયાના વિસ્તારોમાં ખાસ જોવા મળે તેવી શક્યતા હાલ દેખાતી નથી. પરંતુ તેના પ્રભાવના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે અને આવતીકાલે ઓછી ઉંચાઇવાળા મોજા ઉછળી શકે છે. જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્વેલ સર્જની યલો ચેતાવણી જારી કરવામાં આવી છે.

સોમાલિયા તરફ આગળ વધશે આ સિસ્ટમ

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર ગઈકાલે બનેલું વેલ માર્ક્ડ લો-પ્રેશર વધુ સક્રિય થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે. આજે 20 ઓક્ટોબરે આ સિસ્ટમ એ જ વિસ્તારમાં સક્રિય છે. આગામી 12 કલાકમાં આ સિસ્ટમ વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયાની તિવ્રતા સાથે સાથે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. ત્યારબાદ 21 ઓક્ટોબરના રોજ લો પ્રેશર એરિયા તરીકે એ વિસ્તારમાં આગળ વધશે અને 22 ઓક્ટોબરના રોજ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં સોમાલિયાના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે. હાલની દૃષ્ટિએ આ સિસ્ટમની અસર ગુજરાત કે તેની નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય તેવી કોઇ શક્યતા નથી. જોકે દરિયાકાંઠે નાના મોજા ઉછળી શકે છે.

દરિયાકાંઠે મોજા ઉછળવાની શક્યતા

અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે દરિયામાં હળવી હલચલ જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 21 ઓક્ટોબર સુધી અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછી ઉંચાઇવાળા મોજા ઉછળી શકે છે. જોકે તેની ઉંચાઇ 0.1થી 0.9 મીટરની હોઇ શકે છે. જેના પગલે આ વિસ્તારોમાં સાવચેતની ભાગરૂપે સ્વેલ સર્જની ચેતાવણી આપવામાં આવી છે અને આ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરાયું છે.

આગામી સાત દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીં

ગઇકાલે રાજકોટ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઉંચુ રહેવાના કારણે ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે રાત્રીના સમયે આંશિક ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા ન હોવાનું જણાવ્યું છે. એટલે કે મહત્તમ તાપમાન મોટાભાગના શહેરોમાં 35થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઇ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન પણ 20થી 25 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.