Gujarat Weather Forecast Today (27 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે. હવે માંડ ચાર દિવસ બાકી છે પરંતુ કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી. હજી પણ બપોરના સમયે ગરમી વર્તાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 11.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના એક્સટેન્ડ રેન્જ ફોરકાસ્ટના મોડલ અનુસાર, ડિસેમ્બરના 10 દિવસ બાદ ઠંડીમાં ચમકારો અનુભવાઇ શકે છે. જ્યારે 10થી 24 ડિસેમ્બરની વચ્ચે કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાંનું પુર્વાનુમાન છે.
આ પણ વાંચો
ગુજરાતમાં આજે કેવું રહેશે હવામાન | Gujarat Weather Today
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આજે લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો બદલાવ જોવા નહીં મળે. એટલે કે હાલ જે પ્રકારની ઠંડી રાત્રે અને વહેલી સવારે અનુભવાઇ રહી છે. તેવું જ વાતાવરણ આજે રહી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના રાત્રીના તાપમાનમાં ફેરફારની શક્યતા નથી. આ સાત દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ એકંદરે સૂકું રહી શકે છે.
ગુજરાતમાં રાત્રે કેવી રહેશે ઠંડી | Gujarat Weather Update
વાત રાજ્યમાં રાત્રે અને વહેલી સવારે કેવી ઠંડી રહેશે તેની કરીએ તો હવામાન વિભાગના એક્સટેન્ડ રેન્જ ફોરકાસ્ટ મોડલના પુર્વાનુમાન અનુસાર, 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન કેટલાક શહેરોમાં 12થી 14 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 16થી 20 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહી શકે છે. જ્યારે 4થી 10 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન કેટલાક શહેરોમાં 12થી 16 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 18 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે. 11થી 17 ડિસેમ્બર દરમિયાન તાપમાનમાં ઘટાડાની સાથે ઠંડીનો ચમકારો વધી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક ભાગોમાં રાત્રીનું તાપમાન 10થી 12 ડિગ્રી સુધી ગગડી શકે છે. તેમજ કેટલાક શહેરોમાં 13થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 18થી 24 ડિસેમ્બર દરમિયાન પણ ઠંડીનો માહોલ આવો જ જોવા મળી શકે છે. એટલે કે ડિસેમ્બરના 10 દિવસ પછી ઠંડીમાં વધારો થવાનું એક્સટેન્ડ રેન્જ ફોરકાસ્ટનું પુર્વાનુમાન છે.
કેવું રહેશે દિવસનું તાપમાન
વાત દિવસના તાપમાનની કરીએ તો હવામાન વિભાગના આ મોડલના પુર્વાનુમાન અનુસાર, 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. જ્યારે 4 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન તાપમાનનો પારો 26થી 32 ડિગ્રી અને કેટલાક ભાગોમાં 34 ડિગ્રી સુધી રહી શકે છે. 11થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 26થી 32 ડિગ્રીની આસપાસ રહેવાનું પુર્વાનુમાન છે.
ગુજરાતમાં માવઠાની શક્યતા છે કે નહીં
હવે વાત કરીએ ગુજરાતમાં આગામી સમયમાં માવઠાની શક્યતા છે કે નહીં. હવામાન વિભાગના એક્સટેન્ડ રેન્જ ફોરકાસ્ટ મોડલના પુર્વાનુમાન અનુસાર 27 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જોકે 10થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય માવઠાનો માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે. જોકે આ એક પુર્વાનુમાન છે અને આગામી દિવસોમાં હવામાનમાં કેવો બદલાવ આવે છે તેના પર નિર્ભર કરે છે. જો આ વીડિયો આપને સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભુલતા નહીં. આવા જ વીડિયો જોવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
