Gujarat University news: ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના સંચાલનને લઈને કુલસચિવ પિયુષ પટેલ મોટા વિવાદમાં સપડાયા છે. યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગને બદલે કુલસચિવે તમામ સત્તા પોતાની પાસે જાળવી રાખીને મોટા પાયે આર્થિક ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો NSUI અને પૂર્વ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યા છે.
ભાડાની રકમ રોકડમાં સ્વીકારવાનો આક્ષેપ
NSUI નેતા વિક્રમસિંહ ગોહિલે આ અંગે ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું હતું કે, કન્વેન્શન સેન્ટર માટે કોઈ પણ નિર્ધારિત ભાડું નક્કી કર્યા વગર જ તેને ભાડે આપવામાં આવે છે. ભાડાની કેટલીક રકમ આરટીજીએસ (RTGS) મારફતે યુનિવર્સિટીના ખાતામાં જમા થાય છે, જ્યારે બાકીની રકમ કુલસચિવ પોતે રોકડમાં સ્વીકારતા હોવાનો આક્ષેપ કર્યો છે.
30 કરોડના સમારકામમાં ગોલમાલનો દાવો
પૂર્વ પ્રોફેસરોએ આક્ષેપ લગાવ્યો છે કે, કુલસચિવ તરીકેનો મુખ્ય હોદ્દો ધરાવવા છતાં, પિયુષ પટેલ કન્વેન્શન સેન્ટરના વધારાના હવાલા પેટે અલગથી મહેનતાણું અને ચાર્જ એલાઉન્સ મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ સેન્ટર વર્ષો સુધી ખાનગી કંપની 'ગાંધી કોર્પોરેશન' પાસે હતું, જેના કારણે યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. તાજેતરમાં જ યુનિવર્સિટીએ 30 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે આ સેન્ટરનું સમારકામ કરાવ્યું છે. આટલા મોટા ખર્ચમાં પણ મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે, જેની યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે.
એસ્ટેટ વિભાગે જવાબ આપવાનું ટાળ્યું
આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારના દાવાને ફગાવતા કુલસચિવ પિયુષ પટેલે જણાવ્યું કે, કન્વેન્શન સેન્ટરને 7 લાખ રૂપિયા લેખે ભાડે આપવામાં આવી છે, અને તેમાંથી રૂ. 7 કરોડની આવક થઈ છે. એસ્ટેટ વિભાગ જ કન્વેન્શન સેન્ટરનું ધ્યાન રાખે છે.
બીજી તરફ જ્યારે આ મામલે એસ્ટેટ વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, કન્વેશન સેન્ટરનું ભાડું અમને ખબર નથી, તે કુલસચિવ સાહેબ જ નક્કી કરે છે. વધુમાં, જ્યારે કન્વેશન સેન્ટરના બુકિંગ અંગેની વિગતો માંગવામાં આવી, ત્યારે એસ્ટેટ વિભાગના શૈલેષ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે બધો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે, એટલે વિગતો મળશે નહીં.
NSUI દ્વારા સ્પેશિયલ ઓડિટની માંગ
કુલસચિવ દ્વારા સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આ મામલે NSUI દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સેન્ટર ભાડે લેનાર તમામ લોકોની યાદીની સઘન તપાસ કરવા તથા કન્વેન્શન સેન્ટરના નિર્માણ અને 30 કરોડના સમારકામના ખર્ચનું સ્પેશિયલ ઓડિટ કરવા માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે સેન્ટરનું સંચાલન તાત્કાલિક અસરથી એસ્ટેટ વિભાગને સોંપવા તથા છેલ્લા એક વર્ષના બુકિંગ અને હિસાબોનું ઓડિટ કરવાની માંગ પણ પ્રબળ બની છે.
