Ahmedabad: મોટેરા સ્થિત આસારામ આશ્રમ પર ચાલશે બુલડોઝર, હાઈકોર્ટે અરજી ફગાવતા 45 વર્ષ જૂનો કબજો ખાલી કરવો પડશે

મોટેરા આસારામ આશ્રમની જમીનનો ઉપયોગ ભવિષ્યમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરવા માટે થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 17 Apr 2026 06:06 PM (IST)Updated: Fri, 17 Apr 2026 06:06 PM (IST)
ahmedabad-news-gujarat-high-court-rejects-asaram-ashram-plea-demolition-path-cleared-in-motera
HIGHLIGHTS
  • આસારામ આશ્રમ તરફથી હાઈકોર્ટમાં 4 સપ્તાહના સ્ટેની માંગ કરવામાં આવી હતી
  • હાઈકોર્ટના નિર્ણય બાદ જમીન સરકાર હસ્તક લેવાનો માર્ગ મોકળો થયો

Ahmedabad: અમદાવાદના મોટેરા સ્થિત આસારામ આશ્રમ ટ્રસ્ટને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટેની ડબલ બેંચએ આસારામ આશ્રમની અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ આસારામ આશ્રમને તોડી પાડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. હાઈકોર્ટની ડબલ બેંચે સિંગલ જજના એ ચુકાદાને યથાવત રાખ્યો છે, જેમાં કલેક્ટરને જમીન પરત લેવાના આદેશને યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.

આ સંદર્ભે કોર્ટે સખ્ત ટિપ્પણી કરતાં ટાંક્યું કે, આશ્રમે માત્ર સરકારી શરતોનો જ ભંગ નથી કર્યો, પરંતુ સાબરમતી નદી પરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે. આટલું જ નહીં, આસારામ એક ગુનેગાર હોવાથી અને સતત કાયદાનો ઉલાળિયો કરતા હોવાથી તેમને રાહત ના આપી શક્યા.

આ મામલે આસારામ આશ્રમ તરફથી હાઈકોર્ટમાં 4 સપ્તાહના સ્ટેની માંગ કરવામાં આવી હતી, જેથી તેઓ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. જો કે કોર્ટે શરત મૂકી હતી કે, પહેલા તેઓ જમીન પરથી દબાણ હટાવવા માટેનું સોગંધનામું રજૂ કરે, તે પછી જ રાહત મળશે.

બીજી તરફ સરકારી વકીલ જી.એચ. વિર્કે કોર્ટ સમક્ષ દલીલ કરતાં જણાવ્યું કે, મોટેરા સ્થિત આસારામ આશ્રમની જમીન જાહેર હિત માટે અત્યંત આવશ્યક છે. આ જમીનનો ઉપયોગ ભવિષ્યમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલોપ કરવા માટે કરાશે. ખાસ કરીને કૉમનવેલ્થ ગેમ્સ અને ઑલિમ્પિક જેવી વૈશ્વિક ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને આ જરૂરી છે. આ જમીન પર સરકારનો સંપૂર્ણ અધિકાર છે. આખરે કોર્ટે સરકારના પક્ષમાં ચુકાદો આપ્યો છે.

હાઈકોર્ટના નિર્ણય સાથે જ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અન્ય આધુનિક સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રસ્ટ્રક્ચર ડેવલોપ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 50 હજાર વર્ગમીટરથી વધારી આ કિંમતી જમીન હવે સરકારને પરત મળી જશે. જેનો ઉપયોગ સ્પોર્ટ્સ સિટી ડેવલોપ કરવા માટે થશે.

જણાવી દઈએ કે, છેલ્લા 45 વર્ષોથી સાબરમતી નદિના કિનારે આસારામનો આશ્રમ આવેલો છે. જિલ્લા કલેક્ટર દ્વારા પહેલા જ આદેશ આપી દેવામાં આવ્યો હતો કે, આશ્રમે ફાળવણી સમયે કરવામાં આવેલી શરતોનું ઉલ્લંઘન કર્યું છે. જે બાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.