RTE Admission 2026: રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. જો કે હજુ સુધી અનેક વાલીઓ પોતાના સંતાનો માટે ફોર્મ નથી ભરી શક્યા, તો આવા વાલીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક રાહતરૂપ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત RTE એડમિશનની મુદ્દતમાં 6 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
હકીકતમાં ચાલુ વર્ષે રાજ્યની ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ગત 4 એપ્રિલથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે આવકની મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી હોવાથી મોટી સંખ્યામાં વાલીઓ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
બીજી તરફ ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ઘણાં વાલીઓને આવકનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ્સ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવાની માંગ ઉઠી હતી.
આખરે શિક્ષણ વિભાગ દ્વારા RTE પ્રવેશ મેળવવા માટેની મુદ્દતમાં 6 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી વાલીઓ આગામી 23 એપ્રિલ સુધી RTE એડમિશન માટે ફોર્મ ભરી શકશે.
જણાવી દઈએ કે, ગુજરાતની 9722 ખાનગી શાળાઓમાં ગત વર્ષે પ્રવેશ મેળવેલ કુલ વિદ્યાર્થીઓના 25 ટકા લેખે એટલે કે 84 હજાર કરતાં વધુ બેઠકો પર ધો.1માં મફત શિક્ષણ મેળવવા માટે રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગત વર્ષે RTE હેઠળ 4 હજાર બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વર્ષે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને 4 થી 17 એપ્રિલ દરમિયાન ઑનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત આપવામાં આવી હતી. જે આજે રાતે પુરી થઈ રહી હતી. અત્યાર સુધીમાં 2,6,482 ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે હવે મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હોવાથી આ આંકડો હજુ પણ વધી શકે છે.
