ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળોઃ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ વિદેશમાં કરેલી અંગત ખરીદીના બિલ પાસ કરાવ્યાનો આક્ષેપ, પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર વિદેશ પ્રવાસમાં અંગત ખરીદીના બિલ યુનિવર્સિટી ભંડોળમાંથી પાસ કરાવવાનો આરોપ છે. આ મામલે NSUIના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં કુલપતિ કાર્યાલયના કાચ તૂટ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 19 Sep 2026 05:39 PM (IST)Updated: Sat, 19 Sep 2026 05:39 PM (IST)
gujarat-university-controversy-former-vc-neerja-gupta-accused-of-clearing-personal-overseas-bills

Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન લિપસ્ટિક, મોંઘા વસ્ત્રો અને કોસ્મેટિક સહિતની અંગત ખરીદીના બિલ યુનિવર્સિટીના ખાતામાં મેળવ્યાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. 

એવામાં આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસની માંગ સાથે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ કોંગ્રેસ સ્ટુડન્ટ યુનિયન (NSUI) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતુ. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના કારણે કુલપતિની ઑફિસની બારીના કાચ પણ તૂટી ગયા હતા.


386 ડૉલરની અંગત ખરીદીના બિલ યુનિવર્સિટીની તિજોરીમાંથી પાસ કરાવ્યા

NSUIના આક્ષેપ અનુસાર, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા બે વર્ષ પહેલા 2024માં એવોર્ડ સ્વીકારવા માટે અમેરિકા ગયા હતા. પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન નીરજા ગુપ્તાએ ન્યુ જર્સીના સ્ટોર તેમજ દુબઈના એરપોર્ટ પર અલગ-અલગ મળીને કુલ 386 અમેરિકન ડોલરની ખરીદી કરી હતી. જેમાં નીરજા ગુપ્તાએ પોતાના માટે લિપસ્ટિક અને કપડા સહિતની અંગત ખરીદી કરી હતી. આ ખરીદીનું બિલ તેમણે યુનિવર્સિટીની તિજોરીમાંથી પાસ કરાવ્યું હતુ. આથી આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે.

'ચાચી 420' પર FIR ક્યારે, વિદ્યાર્થીઓના પૈસે તાગડધીન્ના

આજે NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જેમના હાથમાં અલગ-અલગ બેનરો હતા. જેમાં 'ચાચી 420 પર FIR ક્યારે', 'વિદ્યાર્થીઓના પૈસે તાગડધીન્ના' જેવા સુત્રો લખેલા હતા. આ દરમિયાન NSUIના કાર્યકરોએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના ફોટા પર લિપસ્ટિક લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ સમયે વાતાવરણ ઉગ્ર બનતા પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેના પગલે કુલપતિની ઑફિસનો કાચ પણ તૂટી ગયો હતો. આખરે પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને NSUIના તમામ કાર્યકરોને માંડમાંડ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.