Ahmedabad: મેઘાણીનગર રૂટ પર એક જ નંબરની બે AMTS બસ રોડ પર દોડતી દેખાઈ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

AMTSની નોટિસના જવાબમાં કોન્ટ્રાક્ટરે કરેલા લેખિત ખુલાસમાં જણાવ્યું કે, RTO તરફથી માન્ય નંબર પ્લેટ મળવામાં વિલંબ થતો હોવાથી નવી બસની ટેમ્પરરી નંબર પ્લેટ હટાવીને તેમાં જૂની બસની નંબર પ્લેટ લગાવી દીધી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 19 Sep 2026 04:47 PM (IST)Updated: Sat, 19 Sep 2026 04:47 PM (IST)
ahmedabad-news-two-amts-ebuses-spotted-with-same-number-on-meghaninagar-route

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (AMTS)ની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં અમદાવાદ શહેરના રોડ પર એક જ નંબરની બે AMTS બસો દોડતી હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે AMTS દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મેઘાણીનગરના રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી હતી

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક જ નંબર ધરાવતી બે ઈ-બસો દોડતી જોવા મળી હતી. જે પૈકી એક બસમાં હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) આધારિત નંબર પ્લેટ હતી. જ્યારે બીજી ઈ-બસમાં સાદી નંબર પ્લેટ હતી.

બીજી બસની નંબર પ્લેટ નવી બસમાં લગાવી દેવામાં આવી હતી

આ અંગે AMTSના અધિકારી દ્વારા ભૂલ સ્વીકારવામાં આવી છે. આ સંદર્ભે ઈલેક્ટ્રિક બસના કોન્ટ્રાક્ટર એરો ઈગલ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડને નોટિસ ફટકારવામાં આવી છે.

જ્યારે કોન્ટ્રાક્ટરે લેખિતમાં કરેલા ખુલાસા મુજબ, RTO તરફથી માન્ય નંબર પ્લેટ મળવામાં વાર લાગી રહી હતી. આ સમયે બસમાં ટેમ્પરરી નંબર પ્લેટ લગાવવાની જગ્યાએ બીજી બસની નંબર પ્લેટ નવી બસમાં લગાવી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે AMTS દ્વારા કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.