અમદાવાદ: કોમર્સ 6 રસ્તા પાસે કાર ડિવાઈડર પર ચઢી, નશામાં ધૂત કાર સવારની અટકાયત

આ મામલે ટ્રાફિક પોલીસ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે અલગ-અલગ 2 ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 09 Nov 2026 07:12 PM (IST)Updated: Mon, 09 Nov 2026 07:12 PM (IST)
ahmedabad-commerce-six-roads-car-accident-drunk-driver-detained

Ahmedabad Car Accident: દિવાળીની મોડીરાતે અમદાવાદ શહેરના કોમર્સ 6 રસ્તા રોડ પર એક કાર અકસ્માત સર્જાયો હતો. દારૂના નશામાં ધૂત કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બ્રેઝા કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કારમાં સાથે બેઠેલો અન્ય શખ્સ પણ દારૂ પીધેલી હાલતમાં હતો. આ મામલે ટ્રાફિક પોલીસ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે અલગ-અલગ 2 ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર, નવા વાડજ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય અભિનવ બલુની તેના મિત્ર મેમનગરના 61 વર્ષીય શાકુંતલ શર્મા સાથે દિવાળીના દિવસે કારમાં જઈ રહ્યા હતા. ત્યારે કોમર્સ 6 રસ્તા પાસે પહોંચતા જ અભિનવે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી.

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત પોલીસને જાણ કરી હતી. B ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારમાં સવાર બંને ઈસમની તપાસ કરતાતેઓ નશામાં હોવાનું ખુલ્યું હતું. કારચાલક નશામાં એટલો ધૂત હતો કે, તેને ગાડીમાંથી નીચે ઉતરવાનું પણ ભાન નહોતું.

તપાસમાં સામે આવ્યું કે, અકસ્માતગ્રસ્ત કારમાં સવાર બંને શખ્સ દારૂ પીધેલી હાલતમાં કારમાં જઈ રહ્યા હતા. ટ્રાફિક પોલીસે કાર ચાલક અભિનવ બલુની વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. જ્યારે બાજુમાં બેઠેલા આધેડ શાકુંતલ શર્મા વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.