ભાડજ નજીક કાર અકસ્માતમાં યુવકનું મોતઃ બિયર પાર્ટી કરીને જઈ રહેલા મિત્રોની અર્ટીગા ધડાકાભેર આગળ જતી ટ્રકમાં ઘુસી, 2ની હાલત ગંભીર

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ઓગણજથી ભાડજ જતાં સમયે એક કાર ધડાકાભેર આગળ જતી ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારની પાછળ બેઠેલા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે 4 મિત્રો ઈજાગ્રસ્ત થયા છે. બિયર પાર્ટી બાદ ગેસ પુરાવીને પરત ફરી રહેલા મિત્રોની અર્ટિગા બેકાબુ બનીને ટ્રકમાં ઘુસી ગઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Oct 2026 05:32 PM (IST)Updated: Fri, 30 Oct 2026 05:32 PM (IST)
ahmedabad-bhadaj-car-accident-youth-killed-2-critical-after-ertiga-rams-into-truck-post-beer-party

Ahmedabad Accident: અમદાવાદ શહેરના એસ.પી.રીંગ રોડ પર અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈકાલે મોડી રાતે ઓગણજથી ભાડજ તરફ જતાં રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બેકાબુ કાર આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર મિત્રો ઘાયલ થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બાપુનગરની વિષ્ણુજીની ચાલી રહેતા પ્રેમ ભદોરિયાના મિત્રો અર્ટીગા કાર લઈને મળવા આવ્યા હતા. જ્યાં તમામ મિત્રોએ બિયરની પાર્ટી કરીને મોડી રાતે નાના ચિલોડા કારમાં ગેસ ભરાવવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે ભગીરથસિંહ ઝાલા કાર ચલાવી રહ્યો હતો અને તેઓ ગોધાવી તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમની કાર એસ.પી. રીંગ રોડ પર ઓગણજથી ભાડજ જવાના રોડ પર આવેલી ગોકુળ હોટલ પાસે પહોંચ્યા, ત્યારે વળાંક પર કાર ચાલક ભગીરથસિંહે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ બેકાબુ બનેલી કાર ધડાકાભેર આગળ જતી ટ્રકમાં ઘુસી ગઈ હતી.

આ અકસ્માતમાં કારની પાછળની સીટમાં બેઠેલા અશોક ઠાકરે નામના યુવકનું ગંભીર ઈજાઓને પગલે સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે કાર ચાલક ભગીરથસિંહ, સમરસિંહ, ટકાભાઈ ઉર્ફે ભવાની અને પવન રાજા નામના મિત્રો ઘાયલ થયા હતા. જે પૈકી ભગીરથસિંહ અને સમરસિંહની હાલત ગંભીર જણાતા તેઓને અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે અન્ય બે મિત્રોને સોલા સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ તો આ સમગ્ર મામલે એ ડિવિઝ ટ્રાફિક પોલીસે કાર ચાલક ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.