સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટોઃ ગીર-ગઢડા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું, ઊભો પાક પલળતા ખેડૂતોને નુકસાનની ભીતિ

દક્ષિણ ભારતમાં ત્રાટકેલા અર્નબ વાવાઝોડાની અસરથી ગુજરાતમાં હવામાન પલટાયું છે, જેમાં સૌરાષ્ટ્રના ગીર-ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે હવામાન વિભાગે 31 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Oct 2026 04:55 PM (IST)Updated: Fri, 30 Oct 2026 04:55 PM (IST)
saurashtra-weather-update-unseasonal-rain-with-strong-winds-hits-gir-gadhada-crops-damaged

Saurashtra Weather Update: દક્ષિણ ભારતમાં ત્રાટકેલા અર્નબ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગઈકાલથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું વરસ્યું હતુ. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અચાનક હવામાનમાં પલટો નોંધાયો છે.


ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં આજે સવારથી વાદળ છાયું વાતાવરણ રહ્યાં બાદ બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. એકાએક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને જોતજોતામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સવારથી બફારાથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી હતી.

ખરીફ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતોએ લણણી શરૂ કરી દીધી છે, ત્યારે એકાએક તૂટી પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી હોવાથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

ગઈકાલે પણ અમદાવાદની વાત કરીએ તો, દિવસભર અસહ્ય ઉકળાટને અંતે સમી સાંજે કેટલાક ભાગોમાં જોરદાર ઝાપટું પડ્યું હતુ. જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ તૂટી પડ્યો હતો. જે બાદ આજે પણ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા ઉપરાંત બનાસકાંઠાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 31 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે તકેદારીના ભાગરૂપે પ્રાંતિજ માર્કેટ યાર્ડને રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.