Vadodara: વડોદરા શહેરમાં રૂ. 50 લાખની ખંડણી માંગવાના ચકચારી કેસમાં ગોત્રી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા પર સક્રિય અને 'માસ્ક મેન' તરીકે જાણીતા શ્રેય પટેલની અટકાયત કરી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ગણપતિ સ્થાપનાના ફાળાની ઉઘરાણીથી શરૂ થઈ હતી. જેમાં વેપારી વિશેષ ઠક્કર દ્વારા ફાળો આપવાનો ઈનકાર કરતાં તેમને ધમકી આપવામાં આવી હતી. તેમજ ગત 25 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે માથાકૂટમાં મધ્યસ્થી કરવા ગયેલા કોર્પોરેટર સ્મિત પટેલ અને દેવ દોશી સાથે પણ મારામારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ વેપારીને CCD કાફે ખાતે બોલાવીને તેમનો એક વીડિયો વાયરલ કરવાની અને સોશિયલ મીડિયામાં તેમની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠા ખરડી નાંખવાની ધમકી આપીને રૂ. 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આટલું જ નહીં, ગત 14 ઓક્ટોબરે ઈસ્કોન મંદિર નજીક 25 હજાર રૂપિયા ટોકન પેટે પડાવી લીધા હતા. કોર્પોરેટર સ્મિત પટેલ તુર્કીના પ્રવાસેથી પરત ફર્યા બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગોત્રી પોલીસે માસ્ક મેન શ્રેય પટેલને ઝડપી પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શ્રેય પટેલ અગાઉ સોશિયલ મીડિયા પર વિસ્તારની વિવિધ સમસ્યાઓને ઉજાગર કરીને ‘માસ્ક મેન’ તરીકે લોકપ્રિય થવાનો પ્રયાસ કરતો હતો. જો કે, હવે તેની જ સંડોવણી ખંડણી અને મારપીટ જેવા ગંભીર ગુનાઓમાં બહાર આવતાં તે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસે આ મામલે આરોપીઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
