ગુજરાતભરની સ્વનિર્ભર શાળાઓનો સરકાર સામે મોરચોઃ 9 અને 10 ડિસેમ્બરે રાજ્યની 17 હજાર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધનું એલાન

ગુજરાતની સ્વનિર્ભર શાળાઓએ લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે આંદોલનનું એલાન કર્યું છે, જેમાં 9 અને 10 ડિસેમ્બરે પ્રતીકાત્મક શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. FRCના નિયમો, ફી વધારાની છૂટ અને RTE ફી વળતર જેવા મુદ્દાઓ પર સરકારના ઉદાસીન વલણ સામે 17,000 શાળાઓના સંચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે, જે 53 લાખ વિદ્યાર્થીઓને અસર કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Oct 2026 03:53 PM (IST)Updated: Fri, 30 Oct 2026 03:53 PM (IST)
rajkot-news-gujarat-private-schools-strike-17000-schools-announce-shutdown-on-dec-9-and-10

Rajkot News: રાજ્યભરની ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના સંચાલકોએ લાંબા સમયથી પડતર પ્રશ્નો મામલે રાજ્ય સરકાર સામે આંદોલનનું બ્યૂગલ ફૂંક્યું છે. રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર ઝોનના સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંમેલનમાં આગામી 9 અને 10 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં પ્રતીકાત્મક શાળા બંધ પાળવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. જો સરકાર આ મુદ્દાઓનો સંતોષકારક ઉકેલ નહીં લાવે, તો ભવિષ્યમાં કાયમી ધોરણે શાળાઓ બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનું મહત્વપૂર્ણ અધિવેશન યોજાયું હતું. આ મહાસંમેલનમાં સૌરાષ્ટ્રભરમાંથી આશરે 1500 જેટલા શાળા સંચાલકો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

એસોસિએશનના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં અંદાજે 17,000 સ્વનિર્ભર શાળાઓ કાર્યરત છે, જેમાં 53 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે 60 ટકાથી વધુ કાર્યબોજ સ્વનિર્ભર શાળાઓ વહન કરતી હોવા છતાં, સરકાર દ્વારા વારંવાર કરાતી રજૂઆતો પ્રત્યે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું હોવાનો આરોપ મુકાયો છે.

મુખ્ય પ્રશ્ન: FRCના નિયમો અને એસઓપીનો અભાવ

પત્રકારો સાથે વાતચીત કરતા એસોસિએશનના પ્રમુખ જતીન ભરાડ અને મહામંત્રી મનહર રાઠોડે જણાવ્યું હતું કે, સ્કૂલ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) વર્ષ 2017માં અસ્તિત્વમાં આવી હોવા છતાં અત્યાર સુધી તેની કોઈ સ્પષ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવી નથી. હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સરકારે એક કમિટી રચીને યોગ્ય SOP ઘડવી જોઈએ, પરંતુ 10 વર્ષ વિતવા છતાં તેનો અમલ કરાયો નથી.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતના ચાર ઝોનમાં કાર્યરત FRC કમિટીઓના સભ્યો પોતાની રીતે કાયદાનું અર્થઘટન કરી મનસ્વી ઓર્ડર કરી રહ્યા છે. રાજ્યની 17,000 શાળાઓમાંથી 13,690 જેટલી શાળાઓ એફિડેવિટ આધારિત છે, જ્યારે માત્ર 3,300 જેટલી શાળાઓ જ દરખાસ્ત કરે છે.

એસોસિએશનની માંગ છે કે, દર વર્ષે ફાઇલિંગની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપીને 10 ટકા સુધીના નિયમિત વાર્ષિક વધારાની છૂટ આપવામાં આવે, જેથી સરકાર અને સંચાલકો બંનેનો આર્થિક તથા વહીવટી બોજ ઘટે.

સંચાલકોએ સપ્ટેમ્બર 2026માં પસાર કરાયેલા નવા વિધેયક અંગે પણ સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, સરકારી ગ્રાન્ટ મેળવતી ગ્રાન્ટેડ શાળાઓ અને સંપૂર્ણપણે ફી આધારિત ચાલતી સ્વનિર્ભર શાળાઓનું માળખું તદ્દન અલગ છે.

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોના પગાર અને વહીવટી ખર્ચ સરકાર ઉપાડે છે, જ્યારે સ્વનિર્ભર શાળાઓ કોઈ સરકારી સહાય લેતી નથી. આમ છતાં, નવા વિધેયકમાં બંને પ્રકારની શાળાઓ માટે સમાન કડક નિયમો લાગુ કરી દેવાયા છે, જે વ્યાવહારિક રીતે યોગ્ય નથી.

દૈનિક પરિપત્રો અને વહીવટી કનડગત

શિક્ષણ વિભાગ દ્વારા રોજબરોજ બહાર પડાતા પરિપત્રો અંગે પણ સંચાલકોએ આક્રોશ ઠાલવ્યો હતો. સરકારી પોર્ટલ પર શાળાઓની તમામ વિગતો ડિજિટલ સ્વરૂપે પહેલેથી ઉપલબ્ધ હોવા છતાં, વિભાગ દ્વારા દરરોજ નવા પરિપત્રો જાહેર કરીને વારંવાર એક જ પ્રકારની માહિતી માંગવામાં આવે છે, જેનાથી શૈક્ષણિક વાતાવરણ ખોરવાય છે અને સંચાલકોનો સમય વેડફાય છે.

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરતા બાળકોની ફી વળતર અંગે પણ વિવાદ વકર્યો છે. સંચાલકો અનુસાર, હાઈકોર્ટના આદેશ મુજબ સરકારે બાળક દીઠ સરકારી શાળા પાછળ થતો વાસ્તવિક ખર્ચ અથવા FRC દ્વારા મંજૂર થયેલી ફી ચૂકવવાની રહે છે. હાલ સરકાર દ્વારા પ્રતિ બાળક માત્ર રૂ. 13,600 ચૂકવવામાં આવી રહ્યા છે, જે વાસ્તવિક ખર્ચ કરતાં ઘણી ઓછી છે. તાજેતરના પરિપત્રોમાં સ્વનિર્ભર શાળાઓના હિતોની અવગણના કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

53 લાખ પરિવારો પર બંધની અસર થશે

મહામંત્રી મનહર રાઠોડે જણાવ્યું કે, વર્ષ 2022થી સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. ગયા સપ્ટેમ્બર માસમાં પણ તમામ જિલ્લાઓમાં ડીઈઓ કચેરી મારફતે આવેદનપત્રો સુપરત કરાયા હતા, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.

રાજકોટ બાદ હવે દિવાળી પછી સુરત, અમદાવાદ અને વડોદરા ખાતે પણ આ પ્રકારના મહાસંમેલનો યોજવામાં આવશે.સંચાલકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે 9 અને 10 ડિસેમ્બરના બંધથી રાજ્યના 53 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને પરિવારો પ્રભાવિત થશે.