Gujarat Weather News: હજી બે દિવસ બપોરની ગરમીમાંથી મળશે આંશિક રાહત, રાજકોટ સહિત આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 30 Oct 2026 04:07 PM (IST)Updated: Fri, 30 Oct 2026 04:09 PM (IST)
gujarat-weather-news-heat-relief-and-rain-alert-for-rajkot-saurashtra

Gujarat Weather News: ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન બપોરે અનુભાવતી ગરમીમાંથી આંશિક રાહત મળશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. તેમજ આ બે દિવસ દરમિયાન દિવસના તાપમાનમાં એટલે કે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છમાં મહત્તમ તાપમાન ઘટ્યું હતું. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થયો ન હતો. તેમજ રાજ્યના લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહ્યું હતું. 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયામાં અન્ય શહેરો કરતા રાત્રે વધુ ઠંડી અનુભવાઇ હતી.

આગામી ત્રણ કલાકની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં 41થી 61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા જિલ્લામાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં બે દિવસ માવઠાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબર 2026ના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની ગરમીનું પ્રમાણ વધી શકે છે. જ્યારે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

આવતીકાલે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાશે

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ આદમાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારો પાસે સર્જાયેલું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામા આગળ વધીને આજે દક્ષિણ આદમાન સમુદ્ર અને આદમાન-નિકોબાર પાસે કેન્દ્રિત થયું છે. તે 31 ડિસેમ્બરે પણ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામા આગળ વધશે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રના નજીકના વિસ્તારો પર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડિપ્રેશનમાં ફેરવાયા બાદ તે આગામી 2 દિવસ દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેમજ દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં છૂટાછવાયા નીચા અને મધ્યમ વાદળો છવાયેલા છે જેમાં મધ્યમથી તીવ્ર સંવહન છે.