Gujarat Weather Forecast Live Updates (30 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમા ઠંડા પવનો ફૂંકાવાના કારણે દિવસે અનુભવાતી ગરમીમાંથી આંશિક રાહત મળી છે. રાત્રીના સમયે અને વહેલી સવારે ઠંડી વર્તાઇ રહી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાયું છે.
બપોરે અનુભવાતી ગરમીથી મળશે રાહત
હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ બપોરે અનુભવાતી ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. જોકે ત્યારબાદ ફરી ગરમીમાં વધારો થઇ શકે છે. કારણ કે ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઇ શકે છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબરે ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
16.4 ડિગ્રી સાથે નલિયા રહ્યું સૌથી ઠંડુ શહેર
ધીમે ધીમે શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે. ગઇકાલે નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો 16.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આ ઉપરાંત રાજકોટમાં 18.3, કેશોદમાં 18.7, ડીસામાં 19.4, મહુવામાં 19.4, ગાંધીનગરમાં 20.2, ભાવનગરમાં 20.4, અમરેલીમાં 20.8, ભુજમાં 21, વડોદરામાં 21, પોરબંદરમાં 21.2, અમદાવાદમાં 21.6, સુરેન્દ્રનગરમાં 22.5, સુરતમાં 22.9, દ્વારકામાં 23, વેરાવળમાં 23.4, કંડલા પોર્ટમાં 23.5, ઓખામાં 25.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
38.2 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું સૌથી ગરમ શહેર
ગઇકાલના 29 ઓક્ટોબરના મહત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો રાજકોટ 38.2 ડિગ્રી સાથે ગરમ શહેર રહ્યું છે. ત્યારબાદ પોરબંદરમાં 37.3, વેરાવળમાં 37.1, સુરેન્દ્રનગરમાં 36.8, ડીસામાં 36.6, કેશોદમાં 36.5, કંડલા પોર્ટમાં 36.5, નલિયામાં 36.4, સુરતમાં 36.1, ભુજમાં 36, દ્વારકામાં 35.6, મહુવામાં 35.4, અમદાવાદમાં 35, અમરેલીમાં 34.9, વલ્લભ વિદ્યાનગરમાં 34.9, વડોદરામાં 34.8, ભાવનગરમાં 34.2, ગાંધીનગરમાં 34, ઓખામાં 32.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
બંગાળની ખાડીમાં નવું એક લો પ્રેશર સક્રિય
બંગાળની ખાડમાં અર્નબ વાવાઝોડા બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ આંદમાન સાગર અને તેની આસપાસના વિસ્તારોમાં એક 'લો પ્રેશર સર્જાયું છે. આ લો પ્રેશર વધુ મજબૂત બનીને બે દિવસ બાદ એટલે કે 31 ઓક્ટોબરે ડિપ્રેશનમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આ સિસ્ટમ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે. 29થી 31 ઓક્ટોબર દરમિયાન 35 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટમાં સામાન્ય રીતે આજે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરત શહેરમાં આજે મહત્તમ તાપમાન 35 તો લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે. આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરામાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે. આકાશમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહી શકે છે.
