Gujarat Weather Forecast | આજનું હવામાન: ગુજરાતમાં ધીમા પગલે શિયાળો દસ્તક આપી રહ્યો છે. આજે 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ પારો પણ ગગડ્યો હતો. જેના પગલે રાત્રીના સમયે અને વહેલી સવારે ઠંડક અનુભવાઇ હતી. રાજ્યના જે ભાગોમાં મહત્તમ તાપમાન ઘટ્યું હતું ત્યાં બપોરની ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. સાથેજ 29થી 31 ઓક્ટોબર રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.
આ જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા
હવામાન વિભાગે ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. જે અનુસાર, આજે 29 ઓક્ટોબરે અરવલ્લી, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડમાં હળવો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 30 ઓક્ટોબરે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં જ્યારે 31 ઓક્ટોબરે પણ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.
મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે
હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જેના પગલે રાજ્યમાં બપોર દરમિયાન અનુભવાતી ગરમીમાથી આંશિક રાહત મળવાની શક્યતા છે. જોકે ત્રણ દિવસ બાદ ફરી બફારો અને ઉકળાટનો અનુભવ થઇ શકે છે. ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય
હવામાન વિભાગ અનુસાર, આજે દક્ષિણ અંદમાન સાગર અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને 31મી ઓક્ટોબર આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી તેમજ અંદમાન અને નિકોબાર ટાપુઓ નજીક ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ, આગામી 2 દિવસ સુધી આ સિસ્ટમ વધુ તીવ્ર બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 35 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને 31 ઓક્ટોબર સુધી આ વિસ્તારોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
