Vadodara Crime News: વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થાઓને પડકારતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સવારના સુમારે અચાનક પોલીસ મથકમાં ઘૂસી આવેલા એક શખ્સે ભારે ઉત્પાત મચાવ્યો હતો અને ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મીઓ સાથે અયોગ્ય વર્તન કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
માનસિક બીમાર શખ્સે ઉત્પાત મચાવ્યો
આ પણ વાંચો
આ દરમિયાન હુમલાખોર સીધો જ તપાસ અધિકારીની કેબિન સુધી પહોંચી ગયો હતો, જ્યાં ફરજ બજાવી રહેલાં મહિલા પીએસઓ શર્મિલાબેન પર અચાનક હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલે ભારે ચકચાર જગાવી છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આ અણધાર્યા હુમલામાં મહિલા પોલીસ કર્મચારી શર્મિલાબેનના હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર અપાવીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશનમાં તોડફોડ મચાવી
હુમલાખોરે પોલીસ સ્ટેશનની કેબિનમાં હાજર રહીને સરકારી કમ્પ્યુટર સહિતના અગત્યના સાધનો અને ફર્નિચરમાં તોડફોડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, મહિલા કર્મચારીની હાલની તબીબી સ્થિતિ અને સરકારી મિલકતને થયેલા નુકસાન અંગે સત્તાવાર આંકડાકીય પુષ્ટિ થવી હજુ બાકી છે. પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત પરિસરમાં બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
માનસિક અસ્વસ્થ યુવકને હોસ્પિટલે ખસેડ્યો
હાજર પોલીસ સ્ટાફે ભારે જહેમત બાદ આક્રમક બનેલા શખ્સને કાબૂમાં લીધો હતો. પ્રાથમિક અટકળો મુજબ શખ્સની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું જણાઈ આવતા તેને તબીબી તપાસ તેમજ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ, ઘટના બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક સાધીને સત્તાવાર પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
