Vadodara Drunk Driving Case: વડોદરા શહેરમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે રાત્રે ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં કેટલાક બેફામ ચાલકો બેદરકારીની તમામ હદો વટાવી રહ્યા છે. તાજેતરમાં વડોદરાના ફતેપુરા ચાર રસ્તા પાસેથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દારૂના નશામાં ધૂત એક યુવક કારનું આગળનું ટાયર નીકળી ગયું હોવા છતાં લોખંડની રીગ પર જ કાર બેફામ દોડાવી રહ્યો હતો. સિટી પોલીસે સમયસૂચકતા વાપરીને આ યુવકને રંગે હાથે ઝડપી પાડ્યો છે.
લોખંડની રીંગ પર દોડાવી કાર
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, સિટી પોલીસની ટીમ ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કાર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહી હતી. પોલીસકર્મીઓનું ધ્યાન કાર પર જતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા, કારણ કે કારનું આગળનું એક ટાયર સંપૂર્ણપણે નીકળી ગયું હતું અને ચાલક ટાયર વગર માત્ર લોખંડની રીગ જ રસ્તા પર ઘસીને ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે રસ્તા પર તીખો અવાજ અને ચિનગારીઓ પણ નીકળી રહી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ કારને રોકીને તપાસ હાથ ધરી હતી.
યુવક નશામાં હોવાનું સામે આવ્યું
પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેની ઓળખ કરણસિંગ ચૌહાણ તરીકે થઈ હતી. ચાલકની હાલત શંકાસ્પદ જણાતા પોલીસે તેની પ્રાથમિક તપાસ કરી હતી, જેમાં તે ભારે દારૂના નશામાં ધૂત હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું. એટલું જ નહીં, આ ઘટના સમયે કારમાં અન્ય એક યુવતી ત્વિશા નરેન્દ્રભાઈ જેઠવા પણ હાજર હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે ચાલક પાસે દારૂના સેવન કે રાખવા અંગેની પરમિટ વિશે પૂછપરછ કરતા તેની પાસે કોઈપણ પ્રકારની કાયદેસરની પરમિટ ન હોવાનું જણાયું હતું.
યુવક સામે પોલીસ કાર્યવાહી
નશાની હાલતમાં આ પ્રકારે બેફામ અને જોખમી રીતે વાહન ચલાવીને રસ્તા પર પસાર થતા અન્ય રાહદારીઓ અને વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકવા બદલ પોલીસે કડક કાર્યવાહી કરતા સિટી પોલીસે દારૂના નશામાં ધૂત કારચાલક કરણસિંગ ચૌહાણ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે ગુનામાં વપરાયેલી કાર પણ કબજે કરી લીધી છે.
