Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ ભાગમાં વર્ષોથી સતાવતી ડ્રેનેજ ચોકિંગ, બેકિંગ અને ગંદા પાણીના લીકેજની તકલીફોનો અંત લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. મેયર હિતેશભાઈ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ જીવણવાડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની 600 મી.મી. વ્યાસની રાઇઝિંગ લાઇનને માઇક્રો ટનલિંગ ટેકનોલોજી વડે નવી ટ્રંક મેઇન લાઇન સાથે સફળતાપૂર્વક જોડી દેવામાં આવી છે. આ ઇજનેરી સુધારાથી પૂર્વ અમદાવાદની સમગ્ર ડ્રેનેજ સિસ્ટમ વધુ મજબૂત અને ક્ષમતાવાન બનશે.
માઇક્રો ટનલિંગ ટેકનોલોજીથી નેટવર્કની ક્ષમતા વધી
જીવણવાડી પમ્પિંગ સ્ટેશનની હયાત રાઇઝિંગ લાઇન નવી ટ્રંક લાઇન સાથે જોડાઈ જતાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પોતાની પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકશે. નવી લાઈનની વધુ ક્ષમતાનો સીધો ઉપયોગ થવાથી ગંદા પાણીના નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે. આ કામગીરીના કારણે ઠક્કરબાપાનગર, નિકોલ, ગોપાલચોક અને વિરાટનગર જેવા ગીચ વિસ્તારોમાં વારંવાર લાઇન ઉભરાવાની કે ચૉક-અપ થવાની મુશ્કેલીઓ ભૂતકાળ બની જશે.
જૂની 1600 મી.મી. ટ્રંક લાઇન પરનું ભારણ ઘટશે
અત્યાર સુધી જશોદાનગરથી નરોડા હાઇવે પર આવેલી 1600 મી.મી. વ્યાસની જૂની મુખ્ય ડ્રેનેજ લાઇન પર સમગ્ર પૂર્વ વિસ્તારના પાણીનો ભારે બોજ રહેતો હતો, જેના કારણે ગંદુ પાણી પાછું મારવાની (બેકિંગની) ઘટનાઓ બનતી હતી. હવે જીવણવાડીનું જોડાણ નવી લાઇન સાથે થતાં જૂની લાઇન પરનો ડ્રેનેજ ફ્લો ઘટશે, જેથી આસપાસના રસ્તાઓ પર લાઇન લીક થવાની કે ગંદુ પાણી ભરાવાની સમસ્યામાંથી રસ્તાઓ અને રહાણાકીય વિસ્તારો મુક્ત થશે.
જૂની ડ્રેનેજ લાઇનના રિહેબિલિટેશનનો માર્ગ મોકળો
આ જોડાણનો એક મોટો ફાયદો એ પણ છે કે હવે જૂની ટ્રંક લાઇનના રિહેબિલિટેશન (સમારકામ અને નવીનીકરણ) માટે પાણીના પ્રવાહને નવી માઇક્રો ટનલિંગ લાઇન તરફ સરળતાથી ડાયવર્ટ કરી શકાશે. આ મોટો તકનીકી ફેરફાર આગામી સમયમાં સમગ્ર વિસ્તારની ડ્રેનેજ વ્યવસ્થાને લાંબા ગાળા માટે ટકાઉ બનાવશે.
3 વોર્ડના 2.25 લાખ લોકોને સીધો ફાયદો
AMCના આ આધુનિક અને સુરેખ આયોજનથી પૂર્વ અમદાવાદના 3 મુખ્ય વોર્ડની આશરે 2.25 લાખથી વધુ વસ્તીને સીધો લાભ મળશે. દૈનિક ધોરણે ગંદકી અને ડ્રેનેજના બેકિંગથી પરેશાન થતા સ્થાનિક રહીશો અને વેપારીઓને આ કાયમી ઉકેલથી મોટી રાહત મળશે.
