ગુજરાતના 233 તાલુકામાં મેઘમહેરઃ અમદાવાદ સહિત 56 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, બરવાળામાં સૌથી વધુ 3.3 ઈંચ ધોધમાર ખાબક્યો

ગુજરાતમાં લગભગ સવા મહિનાના વિરામ બાદ એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી રાજ્યના 233 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી બોટાદના બરવાળા અને વલસાડના કપરાડામાં સૌથી વધુ સવા 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 13 Sep 2026 11:33 PM (IST)Updated: Sun, 13 Sep 2026 11:33 PM (IST)
gujarat-rain-update-heavy-downpour-in-233-talukas-barwala-records-highest-33-inches

Gujarat Rain Update: ગુજરાતમાં એક સાથે ચાર જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થવાથી લગભગ સવા મહિનાના વિરામ બાદ રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના કોઈ-કોઈ ભાગોમાં છૂટાછવાયા ઝાપટા વરસ્યા બાદ આજે વહેલી સવારથી વરસાદનું જોર વધ્યું હતુ.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી આંકડા અનુસાર, આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 233 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી 5 તાલુકામાં 3 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે.

જેમાં સૌથી વધુ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા 86 મી.મી (3.3 ઈંચ) અને વલસાડના કપરાડામાં 85 મી.મી (3.3 ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે નવસારીના વાંસદામાં 82 મી.મી (3.2 ઈંચ), વલસાડના ધરમપુરમાં 81 મી.મી (3.1 ઈંચ) તેમજ સુરતના ઉમરપાડામાં 77 મી.મી (3 ઈંચ) વરસાદ નોંધાયો છે.

જ્યારે 21 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના ચુડામાં 72 મી.મી (2.8 ઈંચ),બોટાદના રાણપુરમાં 67 મી.મી. (2.6 ઈંચ), દાહોદમાં 67 મી.મી (2.6 ઈંચ), નર્મદાના ગરુડેશ્વરમાં 64 મી.મી (2.5 ઈંચ), ડેડિયાપાડામાં 61 મી.મી (2.4 ઈંચ), ખેડાના કપડવંજમાં 58 મી.મી (2.2 ઈંચ) વરસાદ પડ્યો છે.

આવી જ રીતે આજે રાજ્યના 56 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના મુળીમાં 47 મી.મી (1.8 ઈંચ), જૂનાગઢમાં ભેસાણમાં 47 મી.મી (1.8 ઈંચ), અમરેલીના કુકાવાવ વાડિયામાં 42 મી.મી (1.6 ઈંચ), આણંદના ખંભાતમાં 37 મી.મી (1.4 ઈંચ) તેમજ અમદાવાદ શહેરમાં પણ 36 મી.મી (1.4 ઈંચ) જેટલો વરસાદ પડ્યો છે.

આજે ભરૂચ, સુરત નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, આણંદ, તાપી, વડોદરા, ડાંગ અને નર્મદા પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2 દિવસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

જેમાં 14 સપ્ટેમ્બરે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદ વરસાદનું જોર ક્રમશઃ ઘટી જશે.