બોટાદમાં સાર્વત્રિક મેઘમહેરઃ બરવાળામાં સૌથી વધુ સવા 3 ઈંચ ખાબક્યો, રાણપુરમાં અઢી ઈંચ વરસાદથી માર્ગો પર નદીઓ વહી

બોટાદ જિલ્લામાં સવા મહિનાના વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી, જેમાં બરવાળામાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ અને રાણપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે રાણપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 13 Sep 2026 09:22 PM (IST)Updated: Sun, 13 Sep 2026 09:22 PM (IST)
heavy-rainfall-in-botad-district-barwala-records-highest-325-inches-ranpur-causes-waterlogging

Botad Rain News: હવામાન વિભાગ દ્વારા આગામી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે બોટાદ જિલ્લામાં પણ લગભગ સવા મહિનાના વિરામ બાદ મેઘાવી માહોલ જામ્યો છે.

આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જે પૈકી બરવાળા તાલુકામાં સૌથી વધુ સવા 3 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે.

બપોર બાદ બરવાળા અને રાણપુરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

બોટાદ જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. જો કે બપોરે 2 વાગ્યા બાદ વરસાદી માહોલ છવાયો હતો. 2 થી 4 વાગ્યાના 2 કલાક દરમિયાન બરવાળા તાલુકામાં 62 મીમી અને સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં 21 મી.મી મળીને કુલ 83 મી.મી (3.27 ઈંચ) વરસાદ ખાબક્યો હતો.

આવી જ રીતે રાણપુર તાલુકામાં બપોર બાદ વરસાદનું જોર વધ્યું હતુ. રાણપુરમાં 2 થી 4 વાગ્યા સુધીમાં 45 મી.મી, 4 થી 6 વાગ્યા દરમિયાન 7 મી.મી અને 6 થી 8 વાગ્યા સુધીમાં 14 મી.મી મળીને કુલ 66 મી.મી (2.6 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

આજે પડેલા ભારે વરસાદના કારણે રાણપુરના નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 


ગઢડા અને બોટાદ તાલુકામાં હળવા ઝાપટાં

આ સિવાય બોટાદ જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, ગઢડા તાલુકામાં સવારે 6:00 થી 8:00 વાગ્યા વચ્ચે 15 મી.મી, 8:00 થી 10:00 વાગ્યા વચ્ચે 5 મી.મી અને સાંજે 18:00 થી 20:00 વાગ્યા વચ્ચે 2 મી.મી વરસાદ નોંધાતા કુલ 22 મી.મી (0.87 ઈંચ) વરસાદ થયો હતો.

જ્યારે બોટાદ તાલુકામાં સવારે 06:00 થી 08:00 વાગ્યા વચ્ચે 3 મી.મી, સાંજે 16:00 થી 18:00 વાગ્યા વચ્ચે 3 મી.મી અને 18:00 થી 20:00 વાગ્યા વચ્ચે 1 મી.મી મળીને કુલ 7 મી.મી (0.28 ઈંચ) હળવો વરસાદ નોંધાયો હતો.