અમદાવાદમાં સાંજે 2 કલાકમાં સરેરાશ 1.37 ઈંચ વરસાદઃ વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા, પાણી ભરાતા મીઠાખળી અંડરપાસ બંધ કરવો પડ્યો

બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં અમદાવાદમાં સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયો, જ્યારે ખાડિયામાં એક મકાન ધરાશાયી થતાં ત્રણનું રેસ્ક્યુ કરાયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 13 Sep 2026 08:59 PM (IST)Updated: Sun, 13 Sep 2026 08:59 PM (IST)
ahmedabad-rain-update-137-inches-rain-in-2-hours-mithakhali-underpass-closed
HIGHLIGHTS
  • હંસપુરા-મોટેરામાં ગાજવીજ સાથે અઢી ઈંચ સુધી ખાબક્યો

Ahmedabad Rain Update: બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ મજબૂત બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વધુ એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે સવારે 6 થી રાતે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 210થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદમાં પણ સાંજે 4 થી 6 વાગ્યાના સમયગાળામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

હંસપુરામાં સૌથી વધુ અઢી ઈંચ ધોધમાર ખાબક્યો, ગોતામાં દોઢ ઈંચ વરસાદ

આજે દિવસભર બફારા બાદ સાંજે 4 વાગ્યાની આસપાસ અમદાવાદનું આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. અચાનક વિઝિબિલિટી ડાઉન થઈ જવાથી અમદાવાદમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો અને જોત-જોતામાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે 4 થી 6 વાગ્યાની સમયગાળામાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો.

જે પૈકી શહેરના ઉત્તર ઝોનમાં આવેલા હંસપુરામાં સૌથી વધુ 64.50 મી.મી (2.5 ઈંચ), નરોડામાં 55 મી.મી. (2.1 ઈંચ), સરદારનગરમાં 49.50 મી.મી. (1.9 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ ઝોનના મોટેરા વોર્ડમાં 61.50 મી.મી (2.4 ઈંચ), રાણીપમાં 50.50 મી.મી (1.9 ઈંચ), નવરંગપુરામાં 47 મી.મી (1.8 ઈંચ), ચાંદખેડામાં 43.50 મી.મી (1.7 ઈંચ) વરસાદ પડ્યો હતો.

આવી જ રીતે મધ્ય ઝોનના દૂધેશ્વરમાં 54 મી.મી. (2.1 ઈંચઝ, પૂર્વ ઝોનના નિકોલમાં 48 મી.મી (1.8 ઈંચ), કઠવાડામાં 41 મી.મી (1.6 ઈંચ), દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુરમાં 45 મી.મી (1.7 ઈંચ) તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતામાં 41 મી.મી (1.6 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

જ્યારે અમદાવાદ શહેરમાં સરેરાશ 35 મી.મી (1.3 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે જ અત્યાર સુધીમાં શહેરમાં કુલ સરેરાશ 685.46 મી.મી (26.99 ઈંચ) વરસાદ નોંધાયો છે. જો ઝોન પ્રમાણે જોઈએ તો, સૌથી વધુ વરસાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 32.35 ઇંચ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 31.78 ઇંચ, મધ્ય ઝોનમાં 28.42 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 27.94 ઇંચ, ઉત્તર ઝોનમાં 24.20 ઇંચ, દક્ષિણ ઝોનમાં 23.27 ઇંચ અને પૂર્વ ઝોનમાં 10.96 ઇંચ વરસાદ નોંધાયો છે

વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા, મીઠાખળી અંડરપાસ બંધ કરાયો

ભારે વરસાદને પગલે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ 134.50 ફૂટ નોંધાયું હતું અને સાબરમતી નદીમાં 10,484 ક્યુસેક પાણીની આવક થઈ હતી. પરિસ્થિતિને ધ્યાને રાખીને વાસણા બેરેજના 4 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ભારે વરસાદને કારણે સલામતી ખાતર મીઠાખળી અંડરપાસ સાંજે 4:40 કલાકે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

ખાડિયામાં જર્જરિત મકાન ધરાશાયી, કાટમાળ હેઠળ દટાયેલાનું રેસ્ક્યુ

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ખાડિયા ચાર રસ્તા નજીક લાલાભાઈની બારી પાછળ આવેલ એક જૂનુ મકાન ધરાશાયી થઈ ગયું હતુ. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતુ. ફાયર વિભાગની ટીમે કાટમાળ હેઠળથી માતા-પુત્રી સહિત ત્રણ જણાને બહાર કાઢીને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.