Morbi: મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે છવાયેલા વરસાદી માહોલ વચ્ચે એક પરિવારને આંસુ સારવાનો વારો આવ્યો છે. જેમાં વાડીએ ખેત મજૂરી કરી રહેલા શ્રમિક પરિવાર પર આકાશમાંથી વીજળી ત્રાટકતાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલી માધવ ગોકળભાઈની વાડીમાં મનકુબેન નાયકા (28) નામની મહિલા પોતાના પરિવાર સાથે રહીને ખેતરમાં મજૂરીનું કામ કરતી હતી. આજે મનકુબેન વાડીએ મજૂરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
આ પણ વાંચો
કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા આકાશમાંથી કડાકા સાથે વીજળી વાડીએ મજૂરી કરી રહેલા શ્રમિક પરિવાર ઉપર પડી હતી. વીજળીની ઝપેટમાં આવી જતા મનકુબેન અને તેમના 4 વર્ષના પુત્ર શ્યામ નાયકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
માતા-પુત્ર પર વીજળી પડવાના આ સમાચાર વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. જેના પગલે આજુબાજુની વાડીઓમાંથી ખેડૂતો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે માતા-પુત્રના મૃતદેહ નિશ્ચેતન હાલતમાં પડી રહ્યા હતા.
