બોટાદના પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ જાંબુકીયાની કમાલ: 21 વીઘામાં સરગવાની પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક રૂ. 17 લાખથી વધુનો નફો

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના 45 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ શામજીભાઈ જાંબુકીયાએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને સમગ્ર રાજ્યમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 03 Nov 2026 03:45 PM (IST)Updated: Tue, 03 Nov 2026 03:45 PM (IST)
jayeshbhai-jambukiya-natural-farming-moringa-botad-success-story
જયેશભાઈ જાંબુકિયા

Farming Success Story: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ અભિયાનથી પ્રેરણા લઈને રાજ્યના અસંખ્ય ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના 45 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ શામજીભાઈ જાંબુકીયાએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને સમગ્ર રાજ્યમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાની 21 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી સરગવાની ખેતી કરીને તેઓ ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે, જેના કારણે આજે દેશ-વિદેશમાં તેમના સરગવાની ભારે માંગ જોવા મળી રહી છે.

naidunia_image

સાત વર્ષ પહેલાં બદલાયો ખેતીનો પ્રવાહ

જયેશભાઈ જણાવે છે કે, આશરે સાત વર્ષ પહેલાં તેમણે એક મિત્રના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું, જેણે તેમના જીવનની દિશા બદલી નાખી. આ પદ્ધતિથી પ્રભાવિત થઈને તેમણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ત્યાગ કર્યો અને સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો. આજે તેઓ 21 વીઘા જમીનમાં સફળતાપૂર્વક સરગવાની ખેતી કરી રહ્યા છે, જ્યાંથી દર અઠવાડિયે અંદાજે 100 થી 150 મણ સરગવાનું મબલખ ઉત્પાદન મેળવવામાં આવે છે. સરગવાની સાથે સાથે તેઓ ખેતરમાં લીંબુ અને જામફળ જેવા મિશ્ર પાકોનું પણ ઉત્પાદન કરી રહ્યા છે.

naidunia_image

જમીનની ફળદ્રુપતામાં વધારો અને ખર્ચમાં ઘટાડો

પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતી પાછળ થતા આર્થિક ખર્ચમાં ધરખમ ઘટાડો થયો છે અને સામે પક્ષે જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તામાં મોટો સુધારો જોવા મળ્યો છે. રાસાયણિક દવાઓના અભાવે જમીનમાં અળસિયાંની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી જમીન અત્યંત પોચી અને ફળદ્રુપ બની છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં આ અળસિયાં જમીનમાં પાણીનો સંગ્રહ કરવા અને જમીનની રચનાને સુધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પદ્ધતિથી જમીનનું સ્વાસ્થ્ય ઉત્તમ સ્થિતિમાં જળવાઈ રહ્યું છે.

naidunia_image

વિદેશો સુધી પહોંચી બોટાદના સરગવાની સુવાસ

જયેશભાઈના ખેતરમાં પાકના શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનને કારણે તેની માંગ માત્ર સ્થાનિક કે રાજ્ય સ્તરે જ સીમિત નથી, પરંતુ ઓડિશા, કોલકાતા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો ઉપરાંત અમેરિકા, આફ્રિકા અને વિવિધ અરબ દેશોમાં પણ નિકાસ થાય છે. સરગવાના અદભુત ઔષધીય ગુણધર્મોને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ રહે છે. બજારની માંગ અને ઉત્તમ ગુણવત્તાના સમન્વયથી તેમણે વર્ષ 2024-25 દરમિયાન સરગવાના પાકમાંથી રૂ. 17 લાખથી વધુનો માતબર નફો રળીને અન્ય ખેડૂતોને ચોંકાવી દીધા છે.

naidunia_image

અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

પોતાની સફળતા સુધી સીમિત ન રહેતા જયેશભાઈ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સતત કાર્યરત છે. 'આત્મા યોજના' અંતર્ગત તેમના ખેતરમાં અત્યાર સુધીમાં પાંચથી વધુ વખત પ્રશિક્ષણ શિબિરો યોજાઈ ચૂકી છે. આ ઉપરાંત, તેમણે જાતે 20થી વધુ ખેડૂતોને ઘન જીવામૃત, જીવામૃત અને વિવિધ પ્રકારના અર્ક જેવા પ્રાકૃતિક કૃષિ ઉપયોગી દ્રાવણો બનાવવાની સચોટ તાલીમ આપી છે.

naidunia_image

જયેશભાઈનું માનવું છે કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખર્ચ ઘટાડવાનો ઉપાય નથી, પરંતુ જમીનની પવિત્રતા જાળવીને સમૃદ્ધિ મેળવવાનો સાચો માર્ગ છે. તેમની આ સફર આજે અનેક અન્નદાતાઓ માટે માર્ગદર્શક દીવાદાંડી સમાન બની રહી છે.