Paresh Goswami Weather Update: ગુજરાતમાં લગભગ 40 દિવસના લાંબા વિરામ બાદ આખરે વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના પરિણામે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે.
આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધશે, તેમ-તેમ વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધતા જશે.
હાલ આ સિસ્ટમ મધ્ય પ્રદેશના પશ્ચિમ છેડા સુધી પહોંચી ચૂકી છે અને ગણતરીના કલાકોમાં ગુજરાતમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં પ્રવેશ્યા બાદ આ સિસ્ટમ મધ્ય-પૂર્વ ગુજરાત ઉપર થઈને મધ્ય ગુજરાત અને પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને કવર કરતી પશ્ચિમ દિશામાં આગળ નીકળશે. જેના પરિણામે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત એમ તમામ ભાગોમાં સારો વરસાદ પડશે.
આવતીકાલે 14 અને પછી 15 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે. જે બાદ પણ એકાદ-બે વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે. ગુજરાતના લગભગ 70 થી 80 ટકા વિસ્તારોને આ વરસાદી રાઉન્ડનો લાભ મળવાની પુરી શક્યતા છે.
5 ઈંચ કરતાં વધુ વરસાદની શક્યતા, દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓને રાહતના સંકેત
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ગુજરાતમાં સરેરાશ 2 થી 5 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. જો કે કેટલાક વિસ્તારોમાં 5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને અત્યાર સુધી વરસાદથી વંચિત રહેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં સારા વરસાદના ઉજળા સંકેતો છે.
આજે રાજ્યના 50થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
આજે વહેલી સવારથી જ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 214 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી વલસાડ જિલ્લાના કપરાડા, બોટાદના બરવાળા અને નવસારીના વાંસદામાં સવા 3 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે.
આજે અમદાવાદ શહેર સહિત રાજ્યના 52 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 19 તાલુકામાં 2 ઈંચથી વધુ, જ્યારે 5 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
